સંતાનો માટે માતા પિતા કઇ પણ કરી છૂટે છે એમાંય ખાસ કરીને પિતા માટે પુત્રીનું સુખ સર્વોપરી હોય છે. જૂનાગઢમાં બ્રહ્મક્ષત્રિય પરીવારમાં એક પ્રેરક ઘટના સામે આવી છે જેમાં એક સસરાએ જમાઈને કિડની દાન કરી પુત્રીનાં સુહાગની રક્ષા કરી છે.
બોસમિયા પરિવારના ચીમનલાલ પરષોત્તમદાસનાં પુત્ર, ડો. તેજસ બોસમીયા કે જેમણે બાયોટેકનોલોજીમાં પી.એચ.ડી.ની પદવી મેળવી છે, તેઓ વર્ષ ૨૦૧૪થી કિડનીની ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ નિયમિત ડાયાલિસિસ પર હતા.
ડો. તેજસના માતા લતાબેન અને પિતા ચિમનલાલે કિડની દાન કરવા માટેના તમામ જરૂરી રિપોર્ટ્સ કરાવ્યા, પરંતુ વયમર્યાદાને કારણે તેઓ કિડની આપવા યોગ્ય જણાયા નહીં. ત્રણ વર્ષના ડાયાલિસિસ દરમિયાન કેડેવર કિડની (અંગદાન) મેળવવા માટે પણ નામ નોંધાવ્યું હતું, પરંત તેમાં સફળતા મળી ન હતી.
આ કપરા સમયમાં ડો. તેજસના ધર્મપત્ની રિદ્ધિએ તેમના પિયરમાં આ વિશે ચર્ચા કરી. ત્યારે તેમના પિતા અને ડો. તેજસના સસરા પ્રફુલ્લચંદ્ર નરોત્તમદાસ લૈયા (મૂળ ઊના, હાલ અમદાવાદ) પોતાની કિડની આપવા માટે આગળ આવ્યા. તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત તમામ મેડિકલ ટેસ્ટ કરાવ્યા અને સરકારી મંજૂરીની જટિલ પ્રક્રિયામાંથી પણ પસાર થયા. આશરે છ મહિનાની પ્રક્રિયાઓ પછી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આમ એક સસરાએ જમાઈને અંગદાન કર્યુ હતુ જેને પગલે એક પિતાએ પુત્રીને ખરા અર્થમાં અખંડ સૌભાગ્યવતી ભવનાં આશીર્વાદ આપ્યા હોય એવી પ્રેરક ઘટના બની છે.