વાંકાનેરના જાલસીકા ગામે 220 કે. વીની હાઈ વોલ્ટેજ લાઈન પસાર કરવા ખેડૂતોનો વિરોધ : જેટકોનું ષડયંત્ર ખેડૂતોએ અટકાવ્યું

  • April 18, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કહેવાય છે કે સરકાર પ્રજાનું રક્ષણ કરે છે પરંતુ સરકારી વિભાગ પ્રજાનું દુશ્મન બને તો તેને શું કહેવું. વાંકાનેર તાલુકામાં આવેલા જાલસીકા ગામમાં 220 કેવીની લાઈન પસાર કરવા માટે ખાસ તખતો તૈયાર કરી લેવામાં આવ્યો છે. પરંતુ ત્યાંની સાંપ્રત પરિસ્થિતિને જેટકોના અધિકારીઓ દ્વારા જાણે ધ્યાને લેવામાં આવી ન હોય અથવા તો પોતાની મનસુફી મુજબ કામ કરવામાં માનતી હોય તેવું ઉદાહરણ જેટકો એ ઊભું કર્યું છે. મચ્છુ એક ડેમથી પસાર થતી હાઈ વૉલ્ટેજ ઈલેક્ટ્રીક લાઈન કે જે નાના નાના ખેડૂતોની જમીનોમાંથી પસાર થાય તો તેને લઈ ખેડૂતોને આજીવિકા માટે ગલા તલા કરવા પડે છતાં પણ નિંભર તંત્ર કોઈ પણ પ્રકારે તેમની લાગણી અને વ્યથા સમજવામાં માનતું ન હોય તેવું ચિત્ર પણ ઉભું થયું છે. પ્રજાના સેવકો જેવા કે ધારાસભ્યો, સાંસદો દ્વારા પણ આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં જેટકો દ્વારા કોઈ પણ પ્રકારનું હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું નથી અને તેને લઈ જાલસીકા ગામના ખેડૂતોને ઘણી ખરી હેરાનગતિનો પણ સામનો કરવો પડી રહ્યો છે


મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં હોલ માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરના નિભાવ માટે જાલસીકા ગામમાં ખેતીની જમીન આવેલી છે અને જ્યાં સાડા ચારસો જેટલી ગાયો પણ રાખવામાં આવેલી છે. કેન્દ્ર સરકારની જે કિસાન સૂર્યોદય યોજના છે તે અંતર્ગત જેટકો દ્વારા ઘીય્વડ સાપર 220 કે.વીની લાઈન પસાર કરવામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હાલ આ ષડયંત્ર ને ખેડૂતો દ્વારા અટકાવવામાં પણ આવ્યું છે પરંતુ જો આ લાઈન તેમના ખેતરોમાંથી પસાર કરવામાં આવે તો તે ખેડૂતો માટે નડતરરૂપ બનશે. એટલું જ નહીં તે ગામમાં આવેલી આશરે ૧૩ જમીનના ખાતેદારો દ્વારા લેખિતમાં આ અંગે જાણ કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે હાલ જે ખેતરો માંથી લાઈન પસાર કરવામાં આવશે તો તે અયોગ્ય છે ખરા અર્થમાં ખેતરોની બંને બાજુ સરકારી ખરાબો છે જો આ હાઈ વૉલ્ટેજ લાઈનને સરકારી ખરાબ માંથી પસાર કરવામાં આવે તો ખેડૂતો માટે સાનુકૂળતા રહે અને જે સાડા ચારસો ગાયોનું જે ભરણપોષણ કરવામાં આવી રહ્યું છે તે પણ સુચારું રૂપથી શક્ય બને.


આ અંગે અનેકવિધ વખત રજૂઆત કરવામાં આવી પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી સામે ખેડૂતોનું કહેવું છે કે જે લાઈન પસાર કરવાની વાત ચાલી રહી છે. તેને જો સરકારી ખરાબાની જમીનમાંથી પસાર કરવામાં આવે તો લંબાઈ પણ ટૂંકી થઈ જાય છે. બીજી તરફ જે સાડા ચારસો ગાયો માટે જે ઘાસચારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તે ખેતરો માંથી જ થાય છે ત્યારે અન્ય ખાતેદારોની જમીનમાં પણ આ લાઈન પસાર થાય તો વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ સર્જાય છે અને ખેડૂતોમાં આ અંગે ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. બીજી તરફ ખેડૂતોએ એવી પણ માંગ અને રજૂઆત કરી છે. ત્યારે ખેડૂતોની એકમાત્ર માંગ છે કે સરકારી ખરાબાની જમીનમાં ટાવર ઉભા કરવામાં આવે જેથી ખેડૂતોની જમીનમાં નુકસાની ન પહોંચે.


બીજી સૌથી મોટી ચિંતાનો વિષય છે કે આ ખેડૂતો જે છે તે નાના ખાતાના ખેડૂતો છે જેની પાસે માત્ર પાંચ કે 10 વીઘા જેટલી જગ્યા હોય અને તે પણ તેની મરણમુળી સમાન હોય જ્યારે આટલી મોટી હાઈ વૉલ્ટેજ લાઈન તેમના ખેતરોમાંથી પસાર થાય તો તેમની જમીનની કિંમત શૂન્ય થઈ જાય છે ત્યારે આ તમામ બાબતે રાજ્ય સરકારે અને ખાસ જેટકોએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તો બીજી તરફ ખેડૂતો આંદોલનના પણ મંડાણ માટે તૈયાર થઈ ચૂક્યા છે કારણકે અનેકવિધ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં જેટકોના નિમ્ભર અધિકારીઓ આ અંગે સહેજ પણ ગંભીર થયા નથી જેના ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. 31 માર્ચ 2023 ના રોજ નાયબ કલેકટર વાંકાનેર દ્વારા આ અંગે હુકમ કરવામાં આવ્યો હતો જેની સામે નારાજ થઈ ખેડૂત અરજદારો દ્વારા કલેક્ટર સમક્ષ પણ અપીલ કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી આ મામલે કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી.


 રાજ્યના કેબિનેટ મંત્રી, સાંસદ અને ધારાસભ્યોને પણ કરવામાં આવી અનેક વખત રજૂઆત : કનુભાઈ દેસાઈ હતો જેટકોના અધિકારીઓને પણ ખખડાવ્યા છતાં જે છે તે વેસે


ખેડૂતોની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ સહિત અનેક રાજકીય આગેવાનો તથા નેતાઓને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે એટલું જ નહીં આ તમામ નેતાઓ દ્વારા પણ આ મુદ્દે અનેક વખત આદેશો પણ આપ્યા છે અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા પણ જણાવ્યું છે છતાં જેટકો તંત્ર અવરચંડાઈ કરતું હોય તેવું ચિત્ર ઊભું થયું છે કારણ કે તમામ નેતાઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને આદેશને પણ તેઓ ગ્રાહ્ય રાખતા નથી. ઊલટું ખેડૂત ખાતેદારોએ જણાવ્યું કે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જેટકોના અધિકારીઓને ખખડાવીને કહ્યું હતું કે ખેડૂતો પર દાદાગીરી ન ચલાવો અને તેમની વ્યથા સમજો છતાં પણ જેડકોની અવરચંડાઈ ઓછી થતી જ નથી.


 જેટકોના અધિકારીઓ સ્થળ ઉપર આવી ખેડૂત ખાતેદારોને ધમકાવતા હોવાનો આક્ષેપ

જાલસીકા ગામના ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે આ અંગે જ્યારે કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી અને તેનો કોઈ જવાબ આજ દિન સુધી આવ્યો નથી ત્યારે અરજી પેન્ડિંગ હોવા છતાં જેટકોની અવરચંડાઈ આસમાને પહોંચી છે કારણ કે જેટકોના અધિકારીઓ સ્થળ ઉપર આવી ખેડૂત ખાતેદારોને ધાક ધમકી આપી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે . આ તમામ ઘટનાઓથી ખેડૂત ખાતેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ મુદ્દે તેઓને ઝડપી ન્યાય મળે તે માટે ખાસ સરકારને અપીલ પણ કરી રહ્યા હોવાનું માલુમ પડ્યું છે.


મિટિંગમાં બોલાવી અધિકારીઓએ ખેડૂતોના હસ્તાક્ષર લઈ તેમની સંમતિ હોવાનું ખપાવી દીધું

જ્યારે પ્રજાના રક્ષક પ્રજાના જ ભક્ષક બને ત્યારે અન્ય કોઈ અપેક્ષા રાખી ન શકાય હાલ જાલસીકા ગામે જે 220 કેવીની હાઈ વૉલ્ટેજ લાઈન ખેતીની જમીનોમાંથી પસાર કરવામાં આવી રહી છે તેના વિરોધમાં અનેકવિધ ખેડૂતો જોડાયેલા છે ત્યારે ખાસ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ખેડૂત ખાતેદારોને બોલાવવામાં આવ્યા હતા અને ખાસ મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત ખેડૂતોના હસ્તાક્ષર લઈ તેમની સંમતિ હોવાનું જણાવી ખેડૂતો વિરુદ્ધ હુકમ થયો હોવાની વાત સામે આવી છે જે ઘટનાને ખેડૂત ખાતેદારો દ્વારા વખોળવામાં આવી અને તેઓએ જણાવ્યું કે તેઓને માત્ર મિટિંગના નામે જ બોલાવવામાં આવ્યા હતા અને તેઓ પાસેથી હસ્તાક્ષર લઈ ત્યારબાદ એવું જાહેર કરવામાં આવ્યું કે તેઓની સંમતિ છે જે ખેડૂતો સાથે ચીટીંગ થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.


ઘીઆવડના ખેડૂતોને પણ આ જ પ્રકારે હેરાન ગતિ કરી મોટા આર્થિક ખાડામાં ઉતારવાની જેટકોની નફટાઇ

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલ હોલમઢ ગામ ખાતે આ લાઈન નાખી દેવામાં આવી છે ત્યારબાદ જાલસીકાના ખેડૂતોના વિરોધ વચ્ચે હજુ આ લાઈન ત્યાં નાખવામાં આવી નથી ત્યારે હવે ઘીઆવડના ખેડૂતોને પણ આ જ પ્રકારે હેરાનગતિ કરી મોટા આર્થિક ખાડામાં ઉતારવાની નફાટાઈ જેટકો કરી રહ્યું છે. બીજી તરફ આ અંગે ડ્રોન સુટ પણ કરાવવામાં આવ્યું છે કે બીજા કયા વિકલ્પ ઊભા થઈ શકે જેને તંત્ર સુધી પણ પહોંચાડવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application