BREAKING NEWS

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે બાંધકામોને નિયમિત કરાવવાની મુદતમાં 6 મહિનાનો વધારો

  • June 17, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યના લાખો મિલકત ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગેરકાયદે અથવા અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે અમલી ‘ઇમ્પેક્ટ ફી’ કાયદા (ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિતકરણ અધિનિયમ) હેઠળ અરજી કરવાની મુદતમાં વધુ ૬ મહિનાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે નાગરિકો તેમના બિનઅધિકૃત રહેણાંક અને વાણિજ્યિક બાંધકામોને કાયદેસર કરાવવા માટે આગામી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.


રાજ્યમાં અનેક એવા બાંધકામો છે જે કાં તો મંજૂરી વગર થયા છે અથવા મંજૂર પ્લાન કરતા વધુ બાંધકામ કરવામાં આવ્યું છે. આવા બાંધકામોને તોડી પાડવાને બદલે તેમને એક તક આપવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાનો લાભ લઈને મિલકત ધારકો નિર્ધારિત 'ઇમ્પેક્ટ ફી' ભરીને પોતાના મકાન કે દુકાનને કાયદેસરનું સ્વરૂપ આપી શકે છે. કાયદેસરનું બાંધકામ થવાથી મિલકતના વેચાણ, લોન લેવા કે અન્ય કાયદાકીય પ્રક્રિયાઓમાં સરળતા રહે છે.


સરકારના આ નિર્ણયથી ખાસ કરીને એવા મિલકત ધારકોને મોટી રાહત મળી છે, જેમના બાંધકામોમાં સામાન્ય ક્ષતિઓ હોવાને કારણે અગાઉની અરજીઓ નામંજૂર થઈ હતી. આ વધારાના સમયગાળા દરમિયાન, અરજદારો પોતાની અરજીમાં રહેલી ત્રુટિઓ કે વાંધાઓને નિવારણ કરીને ફરીથી અરજી કરી શકશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ રાજ્યના વધુમાં વધુ અનધિકૃત બાંધકામોને સુરક્ષિત અને માન્યતા પ્રાપ્ત બાંધકામમાં પરિવર્તિત કરવાનો છે.


રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે. અરજદારોએ સંબંધિત મહાનગરપાલિકા કે નગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર જઈને નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવાની રહેશે. સરકાર દ્વારા સમયમર્યાદા લંબાવવા પાછળનો હેતુ નાગરિકોને પોતાની મિલકતને કાયદેસર કરાવવા માટે પર્યાપ્ત સમય પૂરો પાડવાનો છે.

તંત્ર દ્વારા તમામ મિલકતધારકોને અપીલ કરવામાં આવી છે કે, આ છેલ્લી તકનો મહત્તમ લાભ ઉઠાવે અને ૧૬ ડિસેમ્બર સુધીમાં પોતાની અરજીઓ પૂર્ણ કરી લેવાની રહેશે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application