છોટીકાશી'માં સોમવતી અમાસના પવિત્ર સંગમે પણ ભગવાન શિવજીની મહિમા અપરંપાર

  • September 02, 2024 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસને નગરના પ્રત્યેક શિવાલયોમાં શિવ ભક્તો શ્રાવણ માસના સોમવતી અમાસના દર્શનાર્થે ઉમટ્યા: 'હર હર મહાદેવ' નો નાદ ગૂંજયો


'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત તેમજ નાના મોટા અનેક શિવાલયો ની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસ અને જોગાનું જોગ સોમવારનો દિવસ  હોવાથી સોમવતી અમાસ નું ખૂબ મહત્વ છે, ત્યારે  ભગવાન શિવજીની ભક્તિ નો મહિમા અપરંપાર જોવા મળ્યો હતો. આજે શ્રાવણ માસના અંતિમ દિવસે અને પાંચમા સોમવારે વહેલી સવારથીજ પ્રત્યેક શિવાલયોમાં શિવ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા, જેઓ ના મુખેથી પવિત્ર શ્રાવણ માસ ના દર્શન સાથે 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો, અને ઘંટારવ સંભળાયો હતો.


શહેરમાં આજે શ્રાવણ માસ ના અંતિમ અને પાંચમા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેક ની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા અને પુર પ્રકોપથી રક્ષા કાજેની અંતિમ પ્રાર્થના કરી હતી.


જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, જેના ચારેય દ્વારેથી દર્શન કરી શકાય તેવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં સોમવતી અમાસે વહેલી સવારથી જ શિવ ભક્તો એ દર્શન માટે કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્ર ને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો.

જામનગરના પ્રત્યેક શિવાલયોમાં પ્રતિદિન સાંજે નિત નવા દર્શન ની ઝાંખી જોવા મળી હતી, જ્યારે નગરના મોટાભાગના શિવાલયો ને ઝળહળતી રોશની થી સજજ બનાવી દેવાયા હતા, જેનો અનન્ય નજારો નિહાળીને શિવભક્તો સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભાવવિભોર થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News