આરાધના ધામ નજીક અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા વૃદ્ધ ઇજાગ્રસ્ત

  • October 11, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા આમદભાઈ ચામડિયા નામના મુસ્લિમ વાઘેર વૃદ્ધ ગત તારીખ 2 ના રોજ ખંભાળિયા જામનગર હાઈવે પર આરાધના ધામ નજીકથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે આમદભાઈને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી, આરોપી કારચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે આમદભાઈના ધર્મ પત્ની જુબેદાબેન (ઉ.વ. 65) ની ફરિયાદ પરથી વાડીનાર મરીન પોલીસે અજાણ્યા કારચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.


બીમારી સબબ ખંભાળિયાના આધેડનું મૃત્યુ


ખંભાળિયાના જડેશ્વર ટેકરી વિસ્તારમાં રહેતા ઈશાકભાઈ ઇસ્માઈલભાઈ સંઘારનું કોઈ કારણોસર એકાએક બ્લડપ્રેશર વધી જતા આનાથી તેમને બ્રેઈન હેમરેજ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના ભાઈ અનવરભાઈ ઇસ્માઈલભાઈ સંઘાર (ઉ.વ. 51) એ અહીંની પોલીસને કરી છે.


ખંભાળિયા તાલુકામાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા


ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા ઉગમણા બારા ગામના સીમ વિસ્તારમાં સલાયા મરીન પોલીસ વિભાગના સ્ટાફે મધ્ય રાત્રીના સમયે જુગાર દરોડો પાડી, એક મંદિરની બાજુમાં બેસીને ગંજીપત્તા વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા અનિરુદ્ધસિંહ બનેસંગજી જાડેજા, જયેન્દ્રસિંહ જાલમસંગ વાઢેર, નારણજી માડમજી જેઠવા, માનસંગ ધીરુભા કછવા, રાજેન્દ્રસિંહ ધીરુભા વાઢેર, ભગીરથસિંહ ગગજી રાઠોડ, મહોબતસિંહ દેવુભા જાડેજા, દિગ્વિજયસિંહ નટુભા વાઘેલા અને રણજીતસિંહ કલુભા જાડેજા નામના નવ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 17,320 રોકડા તથા રૂપિયા 18,500 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 35,820 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.


દ્વારકાના દરિયામાં મંજૂરી વગર માછીમારી કરતા શખ્સો સામે ગુનો


દ્વારકાના શાંતિનગર વિસ્તારમાં આવેલા હુસેનની ચોક ખાતે રહેતા મામદ સબીરભાઈ ભેસલીયા (ઉ.વ. 22) અને આ જ વિસ્તારમાં રહેતા ભીખુ હાજીભાઈ ઇસબાની (ઉ.વ. 41) નામના શખ્સો દ્વારા રૂપેણ બંદર વિસ્તારમાં દરિયાકાંઠે પોતાની હોળીમાં ફિશરીઝ વિભાગનું ટોકન મેળવ્યા વગર તેમજ તેઓની હોળીને લગતા કાગળો સાથે રાખ્યા વગર માછીમારી કરતા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફે ઝડપી લઇ, આ બંને શખ્સો સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અન્વયે ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application