એલાવ... એય.. વિશ્ર્વ શૌચાલય દિવસ ભલે ઉજવ્યો હવે મારું તો કંઇક કરો !

  • November 21, 2024 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં જ પોરબંદર શહેર અને જિલ્લામાં વિશ્ર્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી અને વધુને વધુ શૌચાલયનું નિર્માણ થાય તે પ્રકારની આશા અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ બીજીબાજુ પોરબંદરમાં નરસંગ ટેકરી પાસે શૌચાલય બની ગયાને એક વર્ષ જેવો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેનુ લોકાર્પણ કરવામાં આવ્યુ નથી ત્યારે આ વિસ્તારના લોકોએ અને નરસંગ ટેકરી ખાતે ખાનગી બસમાં બેસતા મુસાફરોએ એવી માંગ કરી છે કે કોઇ નેતાઓની રાહ જોયા વગર તેનુ લોકાર્પણ કરી દેવુ જોઇએ.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં બસસ્ટોપ આવેલુ છે જ્યાં વિશાળ સંખ્યામાં ખાનગીબસોનો ખડકલો કરવામાં આવે છે અને મુસાફરો અહીંથી જ અવર જવર કરે છે તેથી આ વિસ્તારમાં લોકોની સુખાકારી માટે અને મુસાફરોની સુવિધા અર્થે તંત્ર દ્વારા શૌચાલય બનાવી દેવામાં આવ્યુ હતુ. ખાસ કરીને મહિલા મુસાફરોને લઘુશંકા કરવા માટે જાહેરમાં બેસવુ પડે નહી તેવા હેતુ સાથે તેનું નિર્માણ થયુ હતુ. પરંતુ જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા એક વર્ષથી નિર્માણ થઇ ગયુ હોવા છતાં હજુ સુધી તેનુ લોકાર્પણ કરવામાં આવ્યુ નથી અને તેના કારણે અહીંયા આવતા મુસાફરોને લઘુશંકા માટે અને શૌચક્રિયા માટે હેરાન થવુ પડે છે. મુસાફરો કટાક્ષમાં એમ પણ જણાવતા નજરે ચડે છે કે, ‘હવે શું તંત્ર તેના ઉદ્ઘાટન માટે કોઇ નેતાની રાહ જોઇ રહ્યું છે?’ તાજેતરમાં જ વિશ્ર્વ શૌચાલય દિવસની ઉજવણીમાં વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજૂરીપત્ર આપતા હોય તેવુ ફોટોસેશન પણ કરાવવામાં આવ્યુ હતુ ત્યારે અહીંયા પણ લોકાર્પણ માટે કોઇ આગેવાનો આવે અને ફોટોસેશન કરે પછી તેને ખુલ્લુ મુકવામાં આવશે કે શું? તેવા સવાલ ઉઠવા પામ્યા છે.
પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીનું ધ્યાન દોરવામાં આવતા તેઓએ એવુ જણાવ્યુ હતુ કે હું તાત્કાલિક તપાસ કરાવી લઉ છું અને અમારા હસ્તકનું હશે તો તેને વહેલીતકે ખુલ્લુ મુકવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application