જામનગર જીલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ડ્રોન સર્વેલન્સ દ્વારા સધન તપાસ

  • July 15, 2023 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૪ ડમ્પરો કબ્જે કરી પડાણા પોલીસને સોપાયા : ૪.૭૩ લાખના દંડની વસુલાત

જામનગર જીલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ખાણ ખનીજ વિભાગ સક્રીય બનીને જીલ્લામાં ડ્રોન સર્વેલન્સ દ્વારા સધન તપાસ કરવામાં આવી રહી છે, તપાસ દરમ્યાન બ્લેક ટ્રેપ ખનીજનો બિન અધિકૃત રીતે વહન કરતા ૪ ડમ્પરો કબ્જે કરી દંડ વસુલી મેઘપર પડાણા પોલીસ ખાતે સોપીને પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી છે.
જામનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અટકાવવા વારંવાર આકસ્મીક તપાસ હાથ ધરી ખનીજ ચોરી પકડવામાં આવે છે, જામનગર ભુસ્તરશાસ્ત્રી સુભાષ બી. જોશીની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેકટર રોહિતસિંહ જાદવ, માઇન્સ સુપરવાઇઝ અનિલ બી. વાઢેળ, પ્રતિક ડી. બારોટ અને ટીમના સભ્યો દ્વારા તા. ૧૪ના જામનગર ખંભાળીયા રોડ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સની મદદથી બ્લેકટ્રેપ ખનીજનું બિનઅધીકૃત વહન કરતા ૪ ડમ્પરો ઝડપી તાલુકા પોલીસ સ્ટેશન પડાણા ખાતે રાખવામાં આવેલ છે તથા રુા. ૪.૭૩ લાખની દંડકીય રકમની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં જુન માસમાં જામનગર તાલુકાના વિજરખી, ચેલા, મિયાત્રા, કોંઝા વગેરે લાલપુર તાલુકાના પડાણા, જોડીયા તાલુકાના ખીરી, ડોબર વિસ્તાર, બાલંભા, તારાણા, જોડીયા વગેરે કાલાવડ તાલુકાના મોટાવડાળા, ધ્રોલ તાલુકાના ખીજડીયા, જાલીયા માણસર, સોયલ વગેરે ગામોમાં તપાસ કરી કુલ ૩૧ કેસ કરવામાં આવેલ જેની સામે રુા. ૩૯.૨૭ લાખની સરકારને આવક થયેલ છે.
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં એપ્રિલ-૨૩ થી જુન-૨૩ સુધીમાં બિનઅધીકૃત ખનન, વહન અને સંગ્રહના કુલ ૮૮ કેસ કરવામાં આવેલ જેની સામે રુા. ૧૧૪.૨૯ લાખની જયારે આગળના નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં એપ્રીલ-૨૨ થી જુન-૨૨ સુધીમાં બિનઅધીકૃત ખનન, વહન અને સંગ્રહના કુલ ૩૭ કેસ કરવામાં આવ્યા હતા. જેની સામે રુ. ૪૨.૩૮ લાખની સરકારને આવક થઇ હતી. ઉલ્લેખનીય છે કે ભુસ્તરશાસ્ત્રીની કચેરી, જામનગરમાં ફકત ૩ વ્યકિતનો ફિલ્ડસ્ટાફ હોવા છતાં આગળના વર્ષની તુલનામાં ચાલુ વર્ષમાં બિનઅધીકૃત ખનન, વહન અને સગ્રહના કેસોમાં સરકારને ૨૫૦ટકા કરતા વધારે આવક થઇ છે.
વધુમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં એપ્રીલ ૨૩થી જુન ૨૩ સુધીમાં રુા. ૧૦૩૮.૫૨ લાખની સરકારને મહેસુલી આવક થઇ છે જયારે આગળના નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં એપ્રીલ ૨૨ થી જુન ૨૨ સુધીમાં રુા. ૫૪૪.૦૭ લાખની સરકારને મહેસુલી આવક થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application