દ્વારકાના જગતમંદિર પર હવેથી દરરોજ ૬ વખત ઘ્વજારોહણ થશે

  • July 12, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવસ્થાન સમિતિ અને ગુગ્ગળી જ્ઞાતિએ કર્યો નિર્ણય: છ ઘ્વજારોહણના પક્ષમાં શંકરાચાર્યજી, સદાનંદ સરસ્વતીજી અને સાંસદ પરીમલભાઇ નથવાણીનો હકારાત્મક અભિગમ રહ્યો: ૨૦૨૪ સુધી ઘ્વજાજીનું બુકીંગ ફુલ

આ વર્ષમાં દ્વારકાના વિશ્ર્વ વિખ્યાત મંદિરમાં ઘ્વજાજી અંગે અનેક વિક્રમો થયા છે, એકીસાથે બે ઘ્વજા પણ મંદિર ઉપર આરોહણ કરવામાં આવી છે, ચાર-પાંચ દિવસ સુધી વાવાઝોડા અને વરસાદને કારણે ઘ્વજાજીનું આરોહણ થયું ન હતું, પરંતુ હવે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે, ગઇકાલે દેવસ્થાન સમિતિ તથા ગુગ્ગળી જ્ઞાતિ દ્વારા મળેલી મીટીંગમાં દ્વારકાના જગતમંદિર ઉપર દરરોજ છ ઘ્વજાનું આરોહણ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવતાં કૃષ્ણભકતોમાં ખુશીની લહેર દોડી ગઇ છે.
ગઇકાલે જિલ્લા કલેકટર અશોક શાહના અઘ્યક્ષ સ્થાને મળેલી મીટીંગમાં દેવસ્થાન સમિતિના સભ્યો અને એસડીએમ પાર્થ તલસાણીયા હાજર રહ્યા હતાં જેમાં દરરોજ પાંચને બદલે છ ઘ્વજાજી ચડાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો, આ અગાઉ જગત ગુરુ શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને રાજયસભાના સાંસદ પરીમલભાઇ નથવાણીએ પણ પોતાનો સુર પુરાવીને દરરોજ છ ઘ્વજાજી મંદિર ઉપર આરોહણ થાય તે માટે હકારાત્મક અભિગમ રાખ્યો હતો, જેના કારણે ઉપરોકત નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી માહિતી મુજબ ૨૦૨૪ સુધી ઘ્વજાજીનું બુકીંગ થયું છે અને કૃષ્ણભકતોેને જો ઘ્વજા ચડાવવી હોય તો તેનો વારો ૨૦૨૫માં આવે તેવી પરિસ્થિતિ છે, દ્વારકાના જગતમંદિર ઉપર ૫૨ ગજની ઘ્વજા ચડાવવામાં આવે છે અને તેનું ધાર્મિક રીતે પણ વિશેષ મહત્વ છે, ત્યારે ગઇકાલની બેઠકમાં દરરોજ પાંચને બદલે છ ઘ્વજાજીનું આરોહણ કરવા નિર્ણ્ય કરાયો છે જેનાથી લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
કોઇપણ પરિસ્થિતિ હોય ત્યારે દ્વારકાધીશ મંદિર ઉપર ઘ્વજાજીનું આરોહણ થાય છે પરંતુ આ વખતે ત્રણ-ચાર દિવસ સુધી ઘ્વજાજીનું આરોહણ થયું ન હતું, વાવાઝોડાની પરિસ્થિતિને કારણે લાંબા સમય બાદ આવું થયું હતું પરંતુ એકીસાથે બે ઘ્વજાજીનું પણ આરોહણ કરવામાં આવ્યું હતું, કૃષ્ણભકતોના મતે દ્વારકાધીશજીની કૃપાથી આવનારા જોરદાર સંકટ ટળી જાય છે અને આમ દ્વારકાની ઘ્વજાજીનું પણ ખુબ જ મહત્વ છે. હવે જયારે દરરોજ પાંચને બદલે છ ઘ્વજાજીનું આરોહણ કરવામાં આવશે, આમ કૃષ્ણભકતોમાં હરખની હેલી ઉમટી પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application