ડ્રગ્સ પેડલર સુધા ધામલીયા તેના પુત્રોની યુવાનને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી

  • April 26, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુખ્યાત ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયા અને તેના પુત્રોએ સદગુરૂ પાર્કમાં રહેતા યુવાનને ટાંટીયા ભાંગી નાખવાની અને ડ્રગ્સના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી.જે અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


૧૫૦ ફૂટ રિંગરોડ પર મોદી સ્કૂલ સામે સદગુરુ પાર્ક સોસાયટી શેરી નંબર 7 માં રહેતા જય મુકેશભાઈ વાઢેર (ઉ.વ 26) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મયુર સુનિલભાઈ ધામેલીયા, હિતેશ સુનિલભાઈ ધામેલીયા, સુધાબેન સુનિલભાઈ ધામેલીયાઅને જીતેન્દ્ર ઉર્ફે પ્રદીપ પરમારના નામ આપ્યા છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 13/2/2025 ના મેટોડા પોલીસે તેને હથિયારના ગુનામાં પકડ્યો હતો. બાદમાં તા. 14/2 ના તેને કોર્ટમાં રજૂ કરાતા આ સમયે કોર્ટ પરિસરમાં પહેલા માળે હિતેશ, મયુર, સુધા અને પ્રદીપ તેની પાસે આવી કહેવા લાગ્યા હતા કે, તે હથિયારના કેસમાં હિતેશનું નામ કેમ આપ્યું છે? તેમ કહી ગાળો આપી હતી. સુધાએ ધમકી આપી હતી કે, મારા પર એનડીપીએસના અનેક કેસ છે. મને કોઈ ફેર નહીં પડે હવે તારૂ નામ પણ પાવડર(એમ.ડી) મા ખોલાવીશ અને તું અમને ભેગો ન થતો નહીંતર ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી.


હથિયાર ધારાના આ કેસમાં જામીન પર છૂટ્યા બાદ તા. 25/2 નવરાત્રીના દસેક વાગ્યે આસપાસ યુવાન તથા તેનો મિત્ર હાર્દિક ડોડીયા બંને રૈયા ટેલીફોન પાસે, રાધે હોટલ નજીક બેઠા હતા ત્યારે મયુરનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તું અમારી સાથે બેસીને હથિયારના કેસમાં મારા ભાઈ હિતેશને ફીટ કરાવી દીધો છે. જેથી અમે પણ તને ખોટા કેસમાં ફીટ કરાવી દઇશું. તેમ કહી ગાળો આપી હતી. કોન્ફરન્સ કોલમાં સુધા, જીતેન્દ્ર અને હિતેશે ગાળો આપી કહ્યું હતું કે, તું ભેગો થાય એટલે તારા ટાંટિયા ભાંગી નાખવા છે તને જાનથી મારી નાખવો છે. એટ્રોસિટીના કેસમાં ફીટ કરાવી દેવો છે. તેવી ધમકી આપી હતી જેથી આ અંગે યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application