ધુળેટી પર્વ પહેલા જાહેરમાં લોકો પર કલર ન ઉડાડવા બાબતે પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યારે ગઈકાલે રેસકોર્ષ રિંગ રોડ જાહેર રસ્તા પર નીકળતા વ્યકતીઓની સલામતી જોખમાય તે રીતે કલર ઉડાડી કાર ચાલકે પોલીસ સામે પણ રૌફ જમાવી કાળા કાચ કાઢવાની ના પાડી કાર ભગાવી મૂકી હતી.દરમિયાન તુરંત જ પ્ર.નગર પોલીસે હેડ ક્વાર્ટર પાસેથી આ કારચાલકને દબોચી લઇ તેના વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસમેન ભગીરથસિંહ રાણાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિરાજ અશ્વિન જાની (રહે રાજકોટ) નું નામ આપ્યું છે. પ્ર.નગર પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના ૧ વાગ્યાથી ૮ વાગ્યા સુધી તેમની ફરજ ઈન્વે ઈન્ચાર્જ પીએસઆઇ એસ.ડી.કોઠીવાર સાથે રાઈટર તરીકે હતી. બપોરના બે વાગ્યાની આસપાસ ધુળેટીનો તહેવાર હોવાથી બંદોબસ્ત અન્વયે રેસકોર્ષ રિંગ રોડ ફરતે પોલીસ વાહનમાં ડ્રાઈવર હોમગાર્ડ ધર્મરાજસિંહ સરવૈયા, કોન્સ્ટેબલ તોફીકભાઈ મંધરા અને પીએસઆઇ એસ.ડી કોઠીવાર સહિતના પેટ્રોલીગમાં હતા ત્યારે ફરતા ફરતા સવા ચાર વાગ્યે રેસકોર્ષે રિંગ રોડ મેયરના બંગલાની સામે પહોચતા એક ઈનોવા કાર નં. જીજે-03-એનએફ-3022 માં બે વ્યકતી જાહેરમાં રંગ ઉડાડતા હોય જેમાં ડ્રાઈવીંગ સીટ ઉપર પુરુષ અને તેની બાજુમાં મહિલા બેઠી હતી.
જેથી સાથેના પીએસઆઇ કોઠીવાર આ કાર ચાલકને જાહેરમાં કોઈને નડતરરૂપ થાય તે રીતે કલર ઉડાવવાની અને જાહેર રસ્તે નીકળતા વ્યકતીઓને ત્રાસદાયક તથા શારીરિક સલામતી જોખમાય તે રીતે કલર ઉડાડી ધુળેટી રમતા હોય જેથી જાહેરમાં ધુળેટી રમવાની અને કલર ઉડાડવાની ના પાડતા અને આ કાર ચાલક શખ્સે ઉશ્કેરાય જઈને કહેલ કે, જઈએ છીએ હો. જેથી પીએસઆઈએ કહેલ કે, તમો કેમ આવી રિતે તોછડી ભાષામા વાત કરો છો, તમને ખબર નથી કે, રાજકોટ પોલીસ કમિશ્નરનુ જાહેરનામું છે, તો આ ઈનોવા ચાલક કે કહેલ કે, હા મને ખબર જ છે.
જેથી પીએસઆઇએ કહેલ તો પોલીસ સ્ટેશન ખાતે ચાલો અને આ ઈનોવા ચાલક પ્ર.નગર પોલીસ સ્ટેશનની બહાર પોતાની ગાડી ઉભી રાખેલ બાદ સ્ટાફ કાર ચાલક પાસે ગયેલ અને કહેલ કે, ગાડી નીચે ઉતર જેથી તે કારમાંથી નીચે ઉતરેલ બાદ પીએસઆઈએ કહેલ કે, ગાડીના કાળા કાચ છે, તે તમે કાઢી નાખો અને તમારી ફોરવ્હીલના કાગળો બતાવો તો આ ઈનોવા ચાલકે કહેલ કે, હું કાળા કાચ કાઢીશ નહીં અને હું ફોરવ્હીલના ડોક્યુમેન્ટ બતાવીસ નહીં.
બાદ ઈનોવાચાલકે પોતાની ગાડીને લોક કરી દેતાં તેને પોલીસ સ્ટેશનની અંદ૨ આવવા કહેતા પોતાની ગાડીમા બેસી ગયેલ અને પોતાની ઈનોવા કાર લઈને પુરપાટ ઝડપે બે ફિકરાઈથી કાર ચાલાવી ભાગી ગયેલ હતો. બાદમાં પોલીસ સ્ટાફ ઈનોવા ગાડી પાછળ ગયેલ અને રેસકોર્ષ રિંગ રોડ પોલીસ હેડ ક્વાર્ટરના સર્કલ પાસેથી રોકીને ફરીથી પોલીસ સ્ટેશન ખાતે લાવેલ અને નામ પુછતા પોતે પોતાનુ નામ વિરાજ અશ્વિન જાની જણાવેલ હતું. જેથી પોલીસે સલામતી જોખમાય તે રીતે કલર ઉડાડી પોલીસની ફરજમાં રૂકાવટ કરવા અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.