દ્વારકાધીશ જગતમંદિરમાં આ વર્ષે રૂપ ચતુર્દશી અને દિપાવલીના પાવન પર્વ નિમિત્તે દિવ્ય અને અલૌકિક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઠાકોરજીના હાટડી દર્શન અને દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારો ભક્તોએ લીધો હતો.
સુરતનું ટેક્સટાઇલ ક્ષેત્રમાં એક મોટું નામ છે. સુરતમાંથી દેશ વિદેશમાં કાપડ જાય છે આ વર્ષે સુરતના કાપડ માર્કેટમાં ટીસ્યુ કાપડમાંથી બનેલ અને જરદોશી વર્કવાળા વાઘા દ્વારકામાં બેસતા વર્ષના દિવસે દ્વારકાધીશને પહેરાવવામાં આવશે. સુરતના સગરામપુરામાં છાપઘર શેરીમાં રહેતા અને કાપડના વેપારી ૬૭ વર્ષીય હેમંતભાઈએ પોતાના ત્યાં ભગવાનના વાઘા બનાવ્યા છે. તેમણે કહ્યું કે દ્વારકાધીશને આ પ્રથમ વખત બેસતા વર્ષના દિવસે સુરતમાં બનેલ વાઘા પહેરાવવામાં આવશે. આ પહેલા જન્માષ્ટમીમાં ત્રણ વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણને વાઘા બનાવીને મોકલવામાં આવ્યા હતા.
આ પ્રથમ વાર છે કે બેસતા વર્ષના દિવસે ભગવાન સુરતમાંથી બનેલ વાઘા પહેરશે. આ વાઘા સફેદ ટીશ્યુ કાપડમાંથી બનાવવામાં આવ્યા છે ૯ થી ૧૦ કારીગરો આ વાઘા તૈયાર કરે છે અને આ વાઘા તૈયાર કરતા ૮ થી ૯ દિવસ લાગે છે. કારણ કે આમાં સંપૂર્ણ કામ હાથથી કરવામાં આવે છે. જરદોશી વર્ક ખૂબ જ ભર્યું અને ચોકસાઈપૂર્વક કરવામાં આવે છે.
દિપાવલી પર્વની સંધ્યાએ ઠાકોરજીનો શણગાર અદ્ભુત હતો. તેમને સોનેરી રંગના વિશેષ વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. સાથે જ, સંપૂર્ણ સોના-ચાંદી અને હિરાજડિત આભૂષણોથી તેમનો શણગાર કરવામાં આવ્યો હતો અને શ્રીમસ્તક પર સુવર્ણજડિત મુગટ શોભી રહ્યો હતો. આ અલૌકિક શૃંગારના દર્શન કરીને ભક્તો ભાવવિભોર થયા હતા. સાંજે નિજ સભાખંડમાં આકર્ષક રંગોળીઓ અને દિપમાલા દર્શન યોજાયા હતા, જેનાથી સમગ્ર મંદિર પરિસર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું.

આ દિપોત્સવનું મુખ્ય આકર્ષણ રાત્રે ૮:૧૫ કલાકે યોજાયેલા હાટડી દર્શન હતા. આ સમયે દ્વારકાધીશજીએ સ્વયં શામળા શેઠનું સ્વપ ધારણ કર્યું હતું અને વેપારી બન્યા હતા. ઠાકોરજીની સમીપ તમામ પ્રકારની મીઠાઈઓથી ભરેલી હાટડી ગોઠવવામાં આવી હતી. ઠાકોરજી ત્રાજવા-તોલાં સાથે બિરાજમાન થયા હતા. આ પર્વે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. લક્ષ્મી સ્વરૂપના સોના-ચાંદીના સિક્કાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ દિવ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે લીધો હતો, જ્યારે લાખો કૃષ્ણભક્તોએ ઓનલાઈનના વિવિધ માધ્યમો દ્વારા પણ આ અવસર માણ્યો હતો, દ્વારકા શારદાપીઠાધીશ્ર્વર સ્વામી સદાનંદ સરસ્વતીજીએ હાલમાં દ્વારકાપીઠ ખાતે જ હોય, ભક્તજનોના તેમના આશીર્વાદનો લાભ મળ્યો હતો.
આજે સવારે ૧૧.૩૦ વાગ્યે ગોવર્ધન પૂજા ઉજવાઇ હતી, જેમાં બહોળી સંખ્યામાં કૃષ્ણભક્તો જોડાયા હતા, આજે સાંજે પ થી ૭ દરમ્યાન ઠાકોરજીને અન્નકુટ મનોરથ યોજાશે. રરમીએ નૂતન વર્ષાભિનંદન તથા ર૩મીના રોજ ભાઇબીજ પર્વની ઉજવણી કરવામાં આવશે.
દ્વારકા જગતમંદિરે ધનતેરસના પવિત્ર દિવસે કાળીયાઠાકોરને લીલા વસ્ત્રાલંકાર ધારણ કરવામાં આવ્યા હતા. મંદિર પરિસમાં ધન્વંતરી પૂજા અન્વયે ઠાકોરજીને લીલા પરિધાન પહેરવામાં આવ્યા હતા. તેમજ લીલા રંગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અન્નકોટમાં પણ લીલા પકવાનનો ભોગ ધરવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં કૃષ્ણભક્તોએ અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.