કટારીયા ચોકડી બ્રિજનું ડાયવર્ઝન કણકોટ રોડ-અવધ રોડ ઉપર ભયંકર ટ્રાફિક સર્જશે

  • March 26, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા કટારીયા ચોકડીએ એક સાથે બબ્બે બ્રિજ પ્રોજેક્ટ અને રિંગ રોડ-૨ ફોર ટ્રેક સહિતના કુલ ત્રણ પ્રોજેક્ટનું કામ એક સાથે શરૂ કરવામાં આવશે, આજે મુખ્યમંત્રીના હસ્તે ત્રણેય પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું છે ત્યારે હવે ટૂંક સમયમાં કામ શરૂ થતાની સાથે કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ ઉપરથી આવતા વાહનોને ડાયવર્ઝન આપવું પડશે. હાલ મહાનગરપાલિકા તંત્રએ ડાયવર્ઝન રૂટની પ્રાથમિક તૈયારી પૂર્ણ કરી છે પરંતુ પોલીસતંત્ર સાથે પરામર્શ બાદ આ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ થશે.ડાયવર્ઝન રૂટ મામલે મહાપાલિકા તંત્ર આયોજનના તબક્કેથી જ એટલું અસ્પષ્ટ છે કે આ ડાયવર્ઝન રૂટનો પોલીસ તંત્ર અમલ કઇ રીતે કરાવશે તે સો મણનો સવાલ છે. ઉપરોક્ત બ્રિજ પ્રોજેક્ટનું ડાયવર્ઝન કણકોટ રોડ અને અવધ રોડ ઉપર ભયાનક ટ્રાફિક સર્જશે તેવું નક્કી જણાય છે.

વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રિંગ રોડ-૨ ઉપર શાપર તરફથી આવતા ભારે વાહનોએ ઠાકર હોટેલ સામેથી કણકોટ રોડ અને અવધ રોડ થઇ આગળ જવાનું રહેશે. જ્યારે નાના વાહનોને રંગોલી આવાસથી જીનિયસ સ્કૂલ, પેરેડાઇઝ હોલ થઇ રિંગ રોડ-૨ સુધી જવાનું રહેશે, તદઉપરાંત કાલાવડ રોડ ઉપર મોટામવા તરફથી કોસ્મોપ્લેક્સ જવા માટે પણ આ ડાય વર્ઝન રૂટ જ અનુસરવાનો રહેશે.

જો કે સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે જે પ્રપોઝડ ડાયવર્ઝન રૂટ ઉપર રસ્તો ઉપલબ્ધ છે જેથી જમીન સંપાદન કરવું પડે કે ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો કાઢવો પડે તેવી સ્થિતિ નથી પરંતુ રોડ નેટવર્ક નથી મતલબ કે રાતોરાત પેવર રોડ બનાવવા પડે તેવી સ્થિતિ સર્જાશે અને પેવર રોડ બનાવ્યા પછી પણ ટ્રાફિક સમસ્યા તો સર્જાશે જ. છેલ્લા છ મહિનાથી ઉપરોક્ત ત્રણેય પ્રોજેકટની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે મહાપાલિકા તંત્રને એ બાબતોનો આગોતરો અંદાજ હતો જ કે આવા પ્રશ્નો સર્જાશે પરંતુ આગોતરું આયોજન કરીને સમયસર વ્યવસ્થા કરવાના બદલે બેદરકારી દાખવવામાં આવી હોય હવે ભયંકર ટ્રાફિક સમસ્યા સર્જાશે. ખાસ કરીને આ ડાયવર્ઝન રૂટ કણકોટ રોડ અને અવધ રોડ ના રહીશોની હાલત માઠી કરી નાખશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application