ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

  • November 27, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા: વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થકી લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ મળી રહેશે: કલેકટર

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિકસિત ભારત રથ મારફતે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓને મળેલા લાભો અંગે ફિલ્મ બતાવવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારત દેશને આગળ ધપાવવા અંગે શપથ ગ્રહણ કર્યા હતા.  
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર બી. એ. શાહે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના અલગ-અલગ ગામડાઓમાં ચાર રથ ભ્રમણ કરશે. જેનો મુખ્ય હેતુ દરેક નાગરિક સરકારની તમામ યોજનાઓથી માહિતગાર બને અને યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડી લોકજાગૃતિ લાવવાનો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને ઘર આંગણે યોજનાઓના લાભો મળી રહેશે. સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર કાર્યરત છે.
કાર્યક્રમમાં બાળકીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વને વર્ણવતી કૃતિ રજૂ કરવામાં આવી હતી. તેમજ મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારી યોજનાઓ થકી તેઓને થયેલા ફાયદાઓ વિશેના અનુભવો વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ આઈ.સી.ડી.એસ., આરોગ્ય વિભાગ, કિસાન સમ્માનનિધિના લાભાર્થીઓ તથા શિષ્યવૃતિ મેળવનાર વિદ્યાર્થિનીઓને લાભો એનાયત કર્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, ગ્રામીણ બેન્ક તેમજ આંગણવાડી વિભાગની બહેનોએ બનાવેલી વાંગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અગ્રણી રમેશભાઈ મૂંગરા, ડીઆરડીએ નિયામક ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન શિયાર, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, તાલુકા પંચાયતના સદસ્યો, અધિકારીઓ, અગ્રણીઓ, તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application