BREAKING NEWS

જામનગર : રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચિજવસ્તુથી વંચિત ન રહે તે માટે આજથી વિતરણ

  • November 01, 2025 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિઝન અને મિશનથી પ્રેરિત થઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકારના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. તથા રેશનકાર્ડ લાભાર્થીને પ્રોટીન સભર ગુણવત્તાયુક્ત આવશ્યક ચીજવસ્તુનો લાભ મળી રહે તે બાબતે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. જે અંતર્ગત તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો નિયમિત પણે લાભ રેશનકાર્ડ ધારકો રાહતદરે મેળવે.


રાજ્ય સરકારની યોજના હેઠળ તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠા સાથે જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર દરમિયાન સીંગતેલ તથા વધારાની ખાંડનો વિતરણ રાહતદરે કરવામાં આવે છે. જે સમગ્ર ભારત દેશમાં ફક્ત ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે.


માહે નવેમ્બર-૨૦૨૫ માસ માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે ૭૫ લાખથી વધુ કુટુંબોની ૩.૨૫ કરોડ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ તથા રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજ વસ્તુ જેમ કે તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાના ચલણ નોંધપાત્ર માત્રામાં જનરેટ થયેલ છે તથા તેના નાણાની ભરપાઈ પણ થયેલ છે. તથા બાકી રહેતા વાજબી ભાવના દુકાનદારો દ્વારા ચલણની પ્રક્રિયા પણ પ્રગતિ હેઠળ છે. જે અંતર્ગત અંત્યોદયના લાભાર્થી આવશ્યક ચીજવસ્તુઓનાં લાભથી વંચિત ન રહે તે બાબતે અનુરોધ કરવામાં આવે છે. જે અંતર્ગત વિતરણ ૧લી નવેમ્બરથી શરૂ થનાર છે.


વાજબી ભાવના દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે બાબતે તેઓ દ્વારા અનાજના જથ્થાના વિતરણ સંદર્ભે વિવિધ કમિશન ઉપરાંત તફાવતની ઘટતી રકમના ભાગરૂપે રૂ. ૨૦,૦૦૦ વાજબી ભાવની દુકાનના સંચાલકના બેંક ખાતામાં દર માસે ચુકવવામાં આવે છે. આ ૨૦,૦૦૦ કમિશનની તફાવતની રકમનો સમગ્ર ખર્ચ રાજય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં ફક્ત ગુજરાત રાજયમાં જ મિનિમમ ૨૦,૦૦૦ કમિશનની રકમ વાજબી ભાવના દુકાનદારોને ચુકવવામાં આવે છે. કમિશનની તમામ વિગતો વાજબી ભાવની દુકાનદારના લોગ ઇનમાં ઉપલબ્ધ છે. હાલની તેઓની મિનિમમ કમિશન ૩૦,૦૦૦ પ્રતિમાસની જે માંગણી છે તે નિતિ વિષયક વાજબી ભાવની દુકાનદારોને મળતા વિવિધ કમિશનનું ચુકવણું દર માસે નિયમિતપણે સમયસર કરવામાં આવે છે. સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી તમામ કમિશનની રકમનાં ચુકવણાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે.


વાજબી ભાવની દુકાનદાર દ્વારા જે પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવે છે તે બાબતે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે સમયાંતરે બેઠક યોજવામાં આવે છે. તાજેતરમાં એસોસિએશન દ્વારા જે માંગણીઓ રજુ કરવામાં આવેલ છે. તે પૈકી ઘણી માંગણીઓ નિતિ વિષયક છે. જે રાજય સરકારનાં વિચારણા હેઠળ છે. અનાજનાં જથ્થાનાં વિતરણથી અળગા રહેવા બાબત આવશ્યક ચીજવસ્તુઓના લાભથી રેશનકાર્ડ ધારકોને વંચિત રાખવાનું યોગ્ય જણાતું નથી. જે બાબતે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.


વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત કોઈપણ લાભાર્થી પોતાની પસંદગી મુજબ સમગ્ર રાજયમાં તથા સમગ્ર દેશમાં પોતાની બાયોમેટ્રિક ઓળખ પ્રસ્થાપિત કરીને અનાજના જથ્થાનો લાભ મેળવી શકે છે. આ યોજનાની અમલવારી શરૂ થયેથી ટોટલ ૧ કરોડથી વધુ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધેલ છે. જે બાબતે સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે.
​​​​​​​

તાજેતરમાં વાજબી ભાવની દુકાન ખાતે ડોર સ્ટેપ ડિલિવરીના માધ્યમથી આવશ્યક ચીજવસ્તુનો જથ્થો પહોંચે તે  અનુસાર ગ્રામ્ય તકેદારી સમિતિ અથવા શહેરી તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન બાબતે  સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશનથી કાર્યવાહી થવા ઠરાવેલ છે. જે પૈકી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી ઓછા માં ઓછા ૫૦% સભ્યોનાં બાયોમેટ્રિક/ઓ.ટી.પી બેઇઝડ વેરિફિકેશન ડોર સ્ટેપ ડિલિવરી સમયે લેવાનાં રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી  દ્વારકાની એક યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application