અમદાવાદના ધોળકામાં આવેલી હરી જ્વેલર્સના સંચાલક પિતા-બે પુત્રોની ત્રિપૂટીએ 56 ગ્રાહકોને ચાંદીમાં રોકાણ ઉપર નફાની લાલચ આપી 30 કરોડથી વધુનું ફેલેકું ફેરવી પલાયન થઇ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્રણ પેઢીથી પ્રતિષ્ઠિત ગણાતી પેઢીના સંચાલકો દ્વારા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. ફિઝિકલ ચાંદીના નામે રોકાણ ફ્રોડ થયાનો ગુજરાતનો આ પ્રથમ અને અનોખો કેસ છે. ઇન્વેસ્ટરોને તગડા રીટર્નની લાલચ આપવામાં આવી હતી. પ્રથમ તબક્કે સારી કમાણી પણ કરાવવામાં આવી હતી. જે પછી રોકાણકારો વધુ મોટી રકમનું રોકાણ કરવા લાગ્યા હતા.
મળતી માહિતી મુજબ, 120 વર્ષ જૂની 'હરિ જવેલર્સ' ઝવેરી પેઢીના ઉઠમણા થયા છે. જેમાં 56 રોકાણકારો સાથે 30 કરોડની છેતરપિંડી થતાં ચકચાર મચી જવા પામી છે. આ પેઢીના સંચાલકો ફરાર થતા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ઝવેરી પેઢીના સંચાલકોએ ઉંચા રીટર્નની લાલચ આપીને રોકાણકારોને શીશામાં ઉતારવામાં આવ્યા હતા. ઝવેરી પેઢીના ઘનશ્યામ સોની અને તેના બે પુત્રો યશ અને દીપ ફરાર થઈ ગયા છે. આ ત્રણેયમાં મોબાઇલ પણ સ્વીચ ઓફ આવે છે. તેમજ પેઢી તથા માલિકોના મકાનોને તાળા લાગી ગયા છે. અમદાવાદના ગ્રામ્ય પોલીસવડા ઓમપ્રકાશ જાટે કહ્યું હતું કે ઝવેરી પેઢી વર્ષો જુની અને પ્રતિષ્ઠિત હતી એટલે ગ્રાહકો અને રોકાણકારોમાં વિશ્વાસ ધરાવતી હતી. આથી આ ત્રણેય પિતા-પુત્રોએ ગ્રાહકોના વિશ્વાસનો લાભ ઉઠાવી ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ શરુ કરી હતી. જેમાં નિયમિત-ઉંચા રિટર્નનું વળતર આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર મામલે પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી. પ્રથમ તબક્કે 16 રોકાણકારોએ સંપર્ક કરીને 6.4 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ માટે જુદી-જુદી ટીમો બનાવવામાં આવી હતી. આ કૌભાંડ મોટું અને છેતરપિંડીનો આંકડો ઘણો વધુ હોવાનું માલુમ પડ્યું હતું. વધુ 40 રોકાણરોની ઓળખ મળી હતી. હાલ 30 કરોડની ઠગાઇ થયાનું માલુમ પડ્યું છે. હજુ ભોગ બનેલા વધુ લોકો આગળ આવે તેવી શક્યતા છે.
ત્રણ કરોડનો આલીશાન શો-રૂમ
આશરે 3 કરોડનો ભવ્ય શો-રૂમ અને કિંમતી ગાડી બતાવી લોકોમાં શાખ ઊભી કરનારા ઘનશ્યામ સોની અને તેના બે પુત્રોએ ફરિયાદીને નફાની લાલચ આપીને ચાંદીનું રોકાણ કરાવ્યું હતું. જ્યારે ઘણા સમય બાદ ફરિયાદી ચાંદી અને નફાની સહિતની રકમ માંગતા સોની દ્વારા વાયદા આપવામાં આવતા હતા. જોકે, સોની પિતા-પુત્રો રાતોરાત ફરાર થઈ જતાં એક પછી એક રોકાણકારોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર બનાવ મામલે ધોળકા ટાઉન પોલીસે આરોપી ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની અને તેમના બે પુત્રો યશ સોની તથા દીપ સોની વિરુદ્ધ બીએનએસની કલમ 316(5) અને 61(2) હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જેમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
બે વર્ષથી આખો ખેલ ખેલાતો
છેલ્લા 2 વર્ષથી આ સમગ્ર ખેલ ચાલતો હતો. ચાંદી રૂ.80 હજાર કિલોએ થતાં આ સ્કીમ શરૂ કરાઇ હતી. ભાવ ઘટે કે વઘે રોકાણકારોને દર મહિને પ્રતિ કિલોએ ત્રણથી પાંચ હજારનો નફો આપવામાં આવતો હતો. ઓગસ્ટ મહિનામાં રૂ.3 કરોડનો શો-રૂમ ખોલ્યા બાદ ગ્રાહકોને વિશ્વાસ બેઠો કે ચાંદીમાં રોકાણથી નફો થાય છે. આથી દિવાળી સુધી ચાંદીના ભાવમાં વધ થાય કે ઘટ થાય ગ્રાહકો પાસેથી રોકાણના નામે તગડી રકમ ભેગી કરી હતી. આરોપીઓ મોટાપ્રમાણમાં રોકાણ આવી ગયા બાદ કોઈને ડિલિવરી આપતાં ન હતા. ગલ્લાતલ્લાં કરી ઉપરનો નફો આપતાં હતા. દિવાળીમાં પૈસાની જરૂર હોવાથી ગ્રાહકો રોકાણના પૈસા લેવા ગયા તો શોરૂમમાં હાજર ઘનશ્યામભાઇના પત્ની અને પુત્રવધુએ કહ્યું કે, તહેવારનો સમય છે, દિવાળી પછી જે કંઇ પણ તમારું હશે તે આપીને પુરું કરી દઈશું. તહેવાર પછી તમને ચાંદી જોઇએ તો ચાંદી અને રોકાણની રકમ જોઇએ તે તમામ નફા સાથે આપી દઇશું. જો કે, આ તેમનો પ્લાન હતો. દિવાળી બાદ ગ્રાહકોને બંને દુકાનો, ઘર અને ફોન બંધ મળ્યા હતા. ઘનશ્યામભાઇએ સ્ટાફને પણ ફોન કરું પછી દુકાન ખોલવી તેમ જણાવી દીધું હતું. આમ સમગ્ર કૌભાંડ પૂર્વ આયોજિત હતું.