નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિતના આરોપીઓને રાજપીપળા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ સાથેની માથાકૂટ, કથિત ખંડણી અને હુમલાના કેસમાં દોષિત જાહેર કરી 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની કેદ અને 25,000નો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
સમગ્ર વિવાદ થોડા સમય પહેલાંનો છે, જ્યારે વન વિભાગના કર્મચારીઓ સરકારી ફરજ પર હતા ત્યારે ધારાસભ્યના નિવાસસ્થાને અને તેની આસપાસના વિસ્તારમાં સંઘર્ષ થયો હતો. આક્ષેપ મુજબ, ચૈતર વસાવા અને તેમના સમર્થકોએ વનકર્મીઓ પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઉપરાંત, હવામાં ફાયરિંગ કરીને કર્મચારીઓને ધમકાવવાનો પણ ગંભીર આરોપ હતો. આ કેસમાં ધારાસભ્યએ અગાઉ જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો અને ત્યારબાદ તેઓ જામીન પર મુક્ત થયા હતા. આજે અદાલતે તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખીને આકરો ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર, જો કોઈ લોકપ્રતિનિધિને ૨ વર્ષ કે તેથી વધુની સજા ફટકારવામાં આવે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થવાપાત્ર બને છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતાં હવે તેમના ધારાસભ્ય પદ પર કાયદાકીય તલવાર લટકી રહી છે.
બીજી તરફ, ચૈતર વસાવાની કાનૂની ટીમ આ ચુકાદાને પડકારવા માટે સજ્જ થઈ છે. સજા પર સ્ટે મેળવવા અને જામીન મેળવવા માટે તેમની ટીમ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક અપીલ દાખલ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં હાઈકોર્ટનો નિર્ણય ધારાસભ્યના રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે.