ભારતમાં હૃદયરોગ સંબંધિત અચાનક મૃત્યુના વધતા જતા કેસોની વચ્ચે ગુજરાત માટે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરાયેલા એક્સીડેન્ટલ ડેથ એન્ડ સ્યુસાઈડ ઇન ઇન્ડિયા અહેવાલ અનુસાર વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં હાર્ટ એટેકને કારણે 3,253 લોકોનાં મૃત્યુ નોંધાયા હતા. આ આંકડો સરેરાશ દરરોજ નવ લોકોનાં મોત બરાબર થાય છે. મૃત્યુ પામનારામાં લગભગ 89.4 ટકા પુરુષો હતા, જે દર્શાવે છે કે પુરુષોમાં હૃદયરોગનું જોખમ વધુ ઝડપથી વધી રહ્યું છે. અહેવાલ મુજબ, વર્ષ 2015માં ગુજરાતમાં હાર્ટ એટેકથી થયેલા અકસ્મિક મૃત્યુના 2,581 કેસ નોંધાયા હતા, જ્યારે 2024માં આ સંખ્યા 26 ટકા વધીને 3,253 સુધી પહોંચી ગઈ છે. દેશભરમાં હાર્ટ એટેકથી થયેલા અકસ્માતજન્ય મૃત્યુમાં ગુજરાતનો ક્રમ ત્રીજો રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 14,874 અને કેરળમાં 5,015 મોત નોંધાયા હતા. સમગ્ર ભારતમાં આવા મૃત્યુમાં ગુજરાતનો હિસ્સો 8.5 ટકા રહ્યો હતો. ગુજરાતમાં 2024 દરમિયાન કુલ 23,790 અકસ્માતજન્ય મોત નોંધાયા હતા, જેમાંથી 13.7 ટકા મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયા હતા. રાજ્યમાં માર્ગ અકસ્માતો પછી હાર્ટ એટેક મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ બન્યું હતું. માર્ગ અકસ્માતોમાં 7,717 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કુલ મળીને ગુજરાતમાં 31,450 અકસ્માતના કેસ નોંધાયા, જેમાં 14,952 લોકો ઇજાગ્રસ્ત થયા અને 23,790 લોકોનાં મોત થયા. તાજેતરના સમયમાં ગુજરાતમાં નૃત્ય, કસરત અથવા સામાન્ય પ્રવૃત્તિ દરમિયાન લોકો અચાનક બેભાન થઈને પડી જવાના અનેક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ઘટનાએ સામાન્ય નાગરિકોમાં કોરોનરી આર્ટરી ડિસીઝ અંગે ચિંતા વધારી છે. યુએન મેહતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજિ એન્ડ રીસર્ચ સેન્ટરના કાર્ડિયોલોજી પ્રોફેસર ડૉ. જયેશ પ્રજાપતિએ જણાવ્યું કે કોરોના પછી લોકોના ખાવાપીવાના સ્વભાવમાં મોટો બદલાવ આવ્યો છે. લોકો બહારનું અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક વધુ ખાઈ રહ્યા છે, જેના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે. એલડીએલ વધવું અને એચડીએલ ઘટવું જેવી સમસ્યાઓ હાર્ટ ડિસીઝનું જોખમ વધારે છે. તેમણે વધુમાં કહ્યું કે બેઠાડૂ જીવનશૈલી, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મોટાપો અને તણાવ જેવા પરિબળો સમાજને કોરોનરી આર્ટરી ડિસીઝની શાંત મહામારી તરફ ધકેલી રહ્યા છે. નિષ્ણાતોએ 40 વર્ષની ઉંમર પછી નિયમિત હૃદય તપાસ કરાવવાની સલાહ આપી છે જેથી સમયસર સારવારથી ગંભીર બીમારીઓ અટકાવી શકાય છે.