આજકાલ ફિટ રહેવા અને કુદરતી રીતે વજન ઘટાડવા માટે સવારના સમયે ડિટોક્સ ડ્રિંક્સ પીવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. જીરા પાણી અને મેથી દાણાના પાણીને લઈને અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ લોકોમાં હંમેશા એ મૂંઝવણ રહે છે કે આ બંનેમાંથી કયું પીણું વજન ઘટાડવા માટે વધુ અસરકારક છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ બંને પીણાં વજન નિયંત્રિત કરવામાં અલગ-અલગ રીતે મદદ કરે છે. કોઈ એક પીણું વજન ઘટાડવા માટે જાદુઈ ઉપાય નથી, પરંતુ તે તમારી લાઈફસ્ટાઈલને સપોર્ટ કરે છે.
જીરા પાણીના ફાયદા
જીરામાં રહેલા એન્ટીઑકિસડન્ટો મેટાબોલિઝમ અને પાચનક્રિયાને મજબૂત બનાવે છે. જે લોકોને વારંવાર ગેસ, એસિડિટી, અપચો કે પેટ ફૂલવાની (બ્લોટિંગ) સમસ્યા રહેતી હોય, તેમના માટે જીરા પાણી બેસ્ટ ઓપ્શન છે. તે શરીરમાંથી વધારાનું પાણી (વોટર રીટેન્શન) ઘટાડી પેટને હળવું રાખે છે.
મેથી પાણીના ફાયદા
મેથીમાં ચરબી ઓગળી શકે તેવા (સોલ્યુબલ) ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તે પાણીને શોષીને પેટમાં ફૂલે છે, જેના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જે લોકોને વારંવાર ક્રેવિંગ થતી હોય કે ઓવરઈટીંગ (વધુ ખાઈ લેવાની) આદત હોય, તેમના માટે મેથીનું પાણી ભૂખને નિયંત્રિત કરવામાં રામબાણ સાબિત થાય છે. તે બ્લડ શુગરને પણ બેલેન્સ રાખે છે.
સેવન કરવાની સાચી રીત
જીરા પાણી
એક નાની ચમચી જીરું રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ગાળીને ખાલી પેટે પીવો. તેને ઉકાળીને પણ પી શકાય છે.
મેથી પાણી એક નાની ચમચી મેથી દાણાને રાત્રે પાણીમાં પલાળો અને સવારે ખાલી પેટે આ પાણી પીવો. કોઈ તકલીફ ન હોય તો મેથીના દાણા ચાવીને પણ ખાઈ શકાય છે.
સાવચેતી
કોઈપણ ડ્રિંકનું વધુ પડતું સેવન નુકસાન કરી શકે છે. વધુ જીરા પાણીથી એસિડિટી વધી શકે છે, જ્યારે વધુ મેથી પાણીથી બ્લડ શુગર અચાનક ઘટી શકે છે. ગર્ભવતી મહિલાઓ, ડાયાબિટીસની દવા લેતા દર્દીઓ અને લાંબી બીમારીવાળા લોકોએ ડોક્ટરની સલાહ લીધા પછી જ આનું સેવન કરવું જોઈએ. ડાયેટિશિયન ભારપૂર્વક જણાવે છે કે માત્ર આ ડ્રિંક્સ પીવાથી વજન નહીં ઘટે; તેના માટે સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને યોગ્ય હાઇડ્રેશન અનિવાર્ય છે.