ખંભાળિયા કોટા ગામના સતવારા આસામીની કિંમતી જમીન પડાવી લેવા સબબ શક્તિનગરના પિતા-પુત્રો સામે ગુનો

  • June 24, 2023 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ તપાસનો ધમધમાટ

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક પરિવારના પિતા-પુત્રોએ તાલુકાના કોટા ગામે રહેતા એક સતવારા વૃદ્ધની આશરે રૂપિયા ૮૦ લાખ જેટલી બજાર કિંમત ધરાવતી કિંમતી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા તાલુકાના કોટા ગામે રહેતા લાલજીભાઈ રૂડાભાઈ પરમાર નામના ૬૭ વર્ષના સતવારા વૃદ્ધ દ્વારા અહીંના પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના દ્વારા વર્ષ ૨૦૨૦ માં એક આસામી પાસેથી વેચાણ દસ્તાવેજ મારફતે લેવામાં આવેલી જૂના સર્વે નંબર ૮૦ પૈકી પાંચ તથા નવા સર્વે નંબર ૧૪૬ ની આશરે ૧૪ વીઘા જેટલી ખેતીની જમીન આ વિસ્તારમાં જમીન ધરાવતા અને અહીંના શક્તિનગર વિસ્તારમાં રહેતા દેવુ ખીમા રૂડાચ તથા તેમના બે પુત્ર વેરશી અને ભાવેશ રૂડાચ દ્વારા બળજબરીપૂર્વક ફરિયાદી પરિવારની મરજી વિરુદ્ધ લઈ લેવાના આશયથી ગેરકાયદેસર રીતે કબજો કરી અને આ જમીન રૂપિયા ૪૫ લાખમાં વેચાતી લેવા માટે આરોપી દેવુ રૂડાચએ તેના પુત્ર ભાવેશના નામનો વેચાણ દસ્તાવેજનો ડ્રાફ્ટ તૈયાર કરાવી અને ત્યારબાદ જમીનના ૭-૧૨ અને ૮-અ માં ફરિયાદીનું નામ ન આવતા વેચાણ કરેલી દસ્તાવેજ રજીસ્ટર ન થતા આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા ૪૫ લાખ પરત લઈ અને ફરિયાદીએ કરી આપેલો વેચાણ દસ્તાવેજનો ડ્રાફ્ટ લખાણ પરત આપ્યું ન હતું.
આ રીતે ફરિયાદી લાલજીભાઈ પરમારની માલિકીની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરી, તેના ઉપર ખેતી કામ કરી અને ઉપજ મેળવવામાં આવતી હતી. આ પ્રકરણમાં આરોપી વેરશી દેવુ રૂડાચએ ફરિયાદી લાલજીભાઈના પુત્રને બિભત્સ ગાળો કાઢી અને રૂપિયા માંગી, ઝઘડો કર્યાની તથા આરોપીઓએ ગેરકાયદેસર રીતે ફરિયાદીની માલિકીની આશરે રૂપિયા ૮૦ લાખ જેટલી બજાર કિંમત ધરાવતી ખેતીની જમીન પચાવી પાડી, તેના ઉપર ખેતી કામ કરી અને ઉપજ મેળવવા સબબ અહીંની પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાય છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે લાલજીભાઈ રૂડાભાઈ પરમારની ફરિયાદ પરથી દેવુ ખીમા રૂડાચ, વેરશી દેવુ રૂડાચ અને ભાવેશ દેવુ રૂડાચ સામે ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ ઉપરાંત આઈ.પી.સી. કલમ ૫૦૪ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં આગળની તપાસ અહીંના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application