વસઇ પાસે થયેલા મર્ડરમાં વળતી ફરીયાદ

  • December 02, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રેઝા કારમાં આવી છરીથી હુમલો કર્યો : સિકકા પોલીસ દ્વારા તપાસ

જામનગર-ખંભાળીયા હાઇવે વસઇ નજીક રાત્રીના સુમારે ખુની ખેલ ખેલાયો હતો જેમાં આઘેડની હત્યા નિપજાવવામાં આવી હતી જે અંગે ચાર સામે ગઇકાલે ફરીયાદ દાખલ થયા બાદ સામા પક્ષે પણ મૃતક સહિત બે સામે હત્યાની કોશીષ કર્યા સહિતની કલમો મુજબ ફરીયાદ નોંધાવી છે. બંને ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
વસઇ નજીક હોટલની સામેના રોડ પર તા. ૩૦ રાત્રીના સુમારે ખુની ખેલ ખેલાયો હતો, જેમાં ભીમશીભાઇ ધરણાંતભાઇ આંબલીયાની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી હતી આ અંગે સામત કરણા વશરા, અજય ભીમશી વશરા, વજશી કરણા વશરા અને રાહુલ સામત વશરા સામે આઇપીસી ૩૦૨ અને ૧૧૪ મુજબ સિકકા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં આરોપીઓના સબંધીઓને અગાઉ સાતેક વર્ષ પહેલા ફરીયાદીના દીયરનું ખુન કરેલ હોય જે બાબતે મનદુ:ખ ચાલતુ હોય જેનો ખાર રાખીને આરોપીઓએ ભીમશીભાઇનું ઢીમ ઢાળી દીધાનું જણાવવામાં આવ્યુ હતું.
દરમ્યાનમાં આ પ્રકરણમાં સામા પક્ષે પણ ગઇકાલે સિકકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ શિવનગરમાં રહેતા વજશી કરણા ઉર્ફે કાનાભાઇ વશરા (ઉ.વ.૪૨)એ સિકકા પોલીસમાં ભીમશી ધરણાંત આંબલીયા અને તેની સાથેના એક અજાણ્યા ઇસમ વિરુઘ્ધ આઇપીસી ૩૦૭, ૧૧૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ એવી ફરીયાદ કરી હતી કે, ફરીયાદી વજશીભાઇ તથા સાહેદો તેમની બ્રેઝા કાર નં. જીજે૧૦ડીએન-૬૭૫૮ લઇને તા. ૩૦ના આમરા ગામે પોતાના કાકા રામભાઇ વશરાની વાડીએ જતા હતા ત્યારે ફરીયાદીના સબંધીઓએ અગાઉ ખુન કરેલ હોય જેનું મનદુ:ખ ચાલતુ હોય તેનો ખાર રાખીને આરોપીઓએ બ્રેઝા કાર નં. જીજે૧૦ડીએ-૦૨૫૨ લઇ આરોપી ભીમશી તથા અજાણ્યા શખ્સે ઓવરટેક કરી કારની આગળ પોતાની કાર ઉભી રાખી હતી.
ફરીયાદીની કાર ઉભી રખાવતા સાહેદ સામતભાઇ ગાડીમાંથી નીચે ઉતરી ત્યાં જતા આરોપીઓએ બોલાચાલી-ઝઘડો કરી અજાણ્યા શખ્સે સામતભાઇને પાછળથી પકડી રાખી ભીમશીએ છરી વડે પેટના ભાગે આડેધડ ૩ થી ૪ ઘા ઝીંકી દઇ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application