BREAKING NEWS

એક દિવસ માટે ભાડે લઈ જવાનું કહી મહિલાની કાર પરત ન આપતા ફરિયાદ

  • February 03, 2026 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુરૂજીનગર આવાસ ક્વાર્ટરમાં રહેતા મહિલા પાસેથી તેમની કાર એક દિવસ ભાડે લઈ જવાનું કહી લઈ ગયા બાદ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે મહિલાએ પાડોશમાં રહેતા શખસ અને તેના મિત્ર વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજના ક્વાર્ટર નંબર 597 માં રહેતા ઇલાબેન રાજુભાઈ મારૂ(ઉ.વ 48) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગુરૂજીનગર આવાસ યોજના ક્વાર્ટર નંબર 606 માં રહેતા તેમના પાડોશી પારસ લાભુભાઈ પરમાર અને તેના મિત્ર સમીર જામના નામ આપ્યા છે.


મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેને રૈયા ગામમાં ક્રિષ્ના સિલેક્શન નામની દુકાન આવેલી છે જેમાં તેઓ કપડાનો વેપાર કરે છે. મહિલા પાસે તેમની માલિકીની સ્વીફ્ટ વીએક્સઆઈ ન.જીજે 3 પીએ 7416 ગાડી છે.


ગઈ તા. 28/1 ના બપોરના અઢી વાગ્યા આસપાસ મહિલા કામ સબબ જુયુબેલી પાસે જૂની કોર્ટ ખાતે ગયા હતા. ત્યારે પાડોશી પારસ પરમારનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, મારા મિત્ર સમીર જામને એક દિવસ માટે કારની જરૂરિયાત છે અને તે તમને રૂપિયા 3000 ભાડું ચૂકવશે તમારે કાર ભાડે આપવી છે? તેવી વાત કરતા મહિલાએ કહ્યું હતું કે, હું તેને ઓળખતી નથી જેથી પારસે કહ્યું હતું કે, ગાડીની જવાબદારી મારી રહેશે જેથી મહિલાએ હા કહી હતી. બાદમાં મહિલાનો પુત્ર કિશન આ ગાડી પારસના મિત્ર સમીર જામને આપવા માટે ગયો હતો.


બીજા દિવસે તા. 29/1 ના સમીરને ગાડી પરત આપવા માટે ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો. જેથી પારસને ફોન કરતા તેણે કહ્યું હતું કે, સમીરે કહ્યું છે કે આઠેક વાગ્યે ગાડી આપી જઈશ તેવી ગોળગોળ વાતો કરી હતી. પરંતુ ત્યારબાદ આજદિન સુધી મહિલાની કાર તેમને પરત આપી ન હોય અંતે મહિલાએ આ બંને શખસો વિરુદ્ધ વિશ્વાસઘાત કરી કાર હંકારી જવા અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application