લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ સાથે આજે નલિયા કંડલા અમરેલીમાં ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધારો થયો છે. જ્યારે રાજકોટમાં ઠંડીનું પ્રમાણ ગઈકાલ જેટલું જ આજે રહેવા પામ્યું છે. બીજી બાજુ ભાવનગર ભુજ ડીસા અને પોરબંદરમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવા પામ્યો છે.
આજના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો અમરેલીમાં 16 ભાવનગરમાં 17.8 ભુજમાં 15.9 ડીસામાં 14.8 ગાંધીનગરમાં ૧૬. ૫ નલિયામાં 10.8 પોરબંદરમાં 15.6 રાજકોટમાં 14.2 સુરતમાં 17.6 વેરાવળમાં 19.4 અમદાવાદમાં ૧૬.૩ વડોદરામાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશમાં હજુ કોલ્ડ વેવ કન્ડિશન યથાવત છે. ગુજરાત સહિતના પશ્ચિમ ભારતના રાજ્યોમાં આગામી છ દિવસમાં બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરશે. દેશના અન્ય રાજ્યોમાં સામાન્ય વધઘટ થશે.
બંગાળની ખાડીમાં અંદામાનના દરિયામાં દક્ષિણ તરફના ભાગમાં આજે લો પ્રેશર સિસ્ટમ સર્જાશે અને તે પછી તે 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં ગતિ કરશે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે અંદામાનમાં અત્યારે પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુકાય છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 48 કલાક પછી આ સિસ્ટમ વધુ મજબૂત થાય અને વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અંદામાન ઉપરાંત તમિલનાડુ કેરલા કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં તોફાની પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
અરબી સમુદ્રના સાઉથ ઇસ્ટ ભાગમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ હોવાના કારણે દક્ષિણના રાજ્યોમાં વરસાદનું જોર વધી ગયું છે અને હજુ તેમાં વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે.