BREAKING NEWS

ભરૂચમાં ક્લાસ-વન અધિકારીનો ફાંસો ખાઈ આપઘાત, સ્યુસાઈડ નોટમાં કારણ આવ્યું સામેઃ મૂળ અમરેલીના વતની હતા

  • July 13, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં ક્લાસ-વન અધિકારીએ આર્થિક બોજ અને માનસિક તણાવ સામે ઝઝૂમતા અંતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આથી તેમના પરિવારજનો અને સરકારી સહકર્મચારીઓમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, આપઘાત કરનાર અધિકારી પિયુષ ઉકાણી આશરે એક મહિના અગાઉ જ બદલી થઈને ભરૂચ આવ્યા હતા. તેઓ અહીં આયોજન વિભાગમાં ક્લાસ-વન અધિકારી તરીકે ફરજ પર હાજર થયા હતા. ભરૂચમાં નોકરી દરમિયાન તેઓ ઝાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં આવેલા ભાડાના એ-12 નંબરના મકાનમાં રહેતા હતા. આજે સવારે જ્યારે તેઓ ઘરે એકલા હતા, ત્યારે તેમનો લટકતો મૃતદેહ મળી આવતા સમગ્ર સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટના અંગે મકાન માલિક દ્વારા તાત્કાલિક ભરૂચ સી-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સુસાઈડ નોટમાં તેઓએ આર્થિક સંકટ, બેંક લોન અને ક્રેડિટ કાર્ડના સતત વધી રહેલા દેવાના બોજનો ઉલ્લેખ કર્યો છે. આ આર્થિક ભીંસના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

સી-ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આપઘાત કરનાર ક્લાસ-વન અધિકારી મૂળ અમરેલી જિલ્લાના વતની હતા. તેઓ ભરૂચમાં ભાડાના મકાનમાં એકલા જ રહેતા હતા, જ્યારે તેમના પત્ની સુરત ખાતે રહે છે. ઘટના બની તે સમયે તેમના પત્ની કોઈ કારણોસર સુરત ગયા હોવાથી અધિકારી ઘરે સંપૂર્ણપણે એકલા હતા. આ જ સમયગાળા દરમિયાન તેઓએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે ઘટનાસ્થળે પંચનામું અને જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ સાથે જ અમરેલી અને સુરત ખાતે રહેતા તેમના પરિવારજનોને આ કમનસીબ ઘટનાની સત્તાવાર જાણ કરવામાં આવી છે. યુવા વયે સરકારી સેવામાં ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા અધિકારીના આવા આકસ્મિક પગલાથી વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્તબ્ધ છે. હાલમાં સી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક વધુ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application