રાજકોટમાં મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે સિટી બસનું ટાયર ધડાકાભેર ફાટ્યું, અંદર બેઠેલા મુસાફરો ફફડી ઊઠ્યા

  • January 19, 2025 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મનપા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસનું અવારનવાર અકસ્માત થતું હોય છે. ત્યારે ફરી એક વખત સિટી બસનો મોટો અકસ્માત સ્હેજમાં ટળ્યો છે અને મોટી ઘાત ટળી છે. 


વિગત એવી છે કે, કાલાવડ રોડ પર મહિલા અંડર કોલેજ બ્રિજ પાસે એક સિટી બસનું આગળનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. આથી અંદર બેઠેલા મુસાફરો ફફડી ઊઠ્યા હતા અને તેમનો જીવ તાળવે ચોંટતા ચીંસાચીંસ કરી મૂકી હતી. જોકે, ડ્રાઈવરની સતર્કતાથી બસ પરનો કાબૂ મેળવી ઉભી રાખી દીધી હતી. આથી અંદર બેઠેલા તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માતથી રાજકોટ મહાનગરપાલિકા તંત્રની સિટી બસ સેવાની બેદરકારી ફરી સામે આવી છે. 


23 ડિસેમ્બરે સીટી બસે બાળકને કચડ્યું હતું
23 ડિસેમ્બરે રાજકોટની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે કણકોટ રોડ પર સિટી બસની અડફેટે એક બાળક આવી જતા કચડાઇ ગયું હતું. પરિવારમાં એકનો એક બાળક છીનવાઇ જતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. મૃતક બાળકની ઓળખ રાજવીર તરીકે થઇ હતી. સિટી બસ GJ 03.બીઝેડ.0588 નંબરની બસના ચાલકે  અકસ્માત સર્જ્યો હતો, ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ બસ ઓવરસ્પીડ હોવાનો આરોપ લગાવ્યો હતો.  


સિટી બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ-એટેક આવતા બેના મોત થયા હતા
એક મહિના પહેલા રાજકોટના રેલનગર વિસ્તારમાં સિટીબસના ચાલકને ચાલુ બસ દરમિયાન હાર્ટ-એટેક આવતાં એક રિક્ષા અને બેથી ત્રણ વાહન સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસચાલકનું હાર્ટ-એટેક આવવાથી, જ્યારે એક મહિલાનું અકસ્માત થવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બેથી ત્રણ લોકોને સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી
પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા સીટી બસ નંબર GJ-03-BZ-4043ને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી અને બસચાલક તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલ મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં GJ-01-DV-6965 નંબરની રિક્ષા તેમજ GJ-03-FN-5669 નંબરના મોપેડ વાહનને પણ નુકસાન પહોંચ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News