આગામી દિવસોમાં યોજનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાજકોટ સહિત રાજ્યના આઠ મહાનગરપાલિકાના કમિશનરો સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીએ વિસ્તૃત મિટિંગ યોજી તમામ મ્યુનિસિપલ કમિશનરોને આકરો ઠપકો આપ્યો હતો અને સિંગલ લાઇન ઇન્સ્ટ્રકશન આપતા જણાવ્યું હતું કે કામ કરો નહીં તો નોટિસ માટે તૈયાર રહેજો.
ગુજરાતના આઠ મહાનગરોમાં વિકાસલક્ષી કામોની ધીમી ગતિ અને વકરતી જતી સમસ્યાને પગલે ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાથબ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીએ આઠેય મ્યુનિસિપલ કમિશનરોને આકરો ઠપકો આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે જો પડતર કામોનો ત્વરિત નિકાલ નહીં આવે, તો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરી નોટિસ ફટકારવામાં આવશે.
ગાંધીનગર ખાતે યોજાયેલી આ અલગ-અલગ બેઠકોમાં રાજ્યના આઠ મહાનગરો જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર સહિતના મ્યુનિસિપલ કમિશનરો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ બેઠકની શરૂઆતમાં જ વહીવટી શિથિલતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રજાના પ્રશ્નો અને શહેરના વિકાસ માટે ફાળવવામાં આવેલ બજેટ છતાં કામો કેમ અટકેલા છે?
નાયબ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીએ પણ અલગ બેઠકો દ્વારા કમિશનરો પાસે રિપોર્ટ કાર્ડ માંગ્યા હતા. મંત્રીઓએ સ્પષ્ટ કર્યું હતું કે વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ હવે ચલાવી લેવામાં આવશે નહીં.
ગઈકાલની બેઠકમાં મુખ્યત્વે બે મુદ્દાઓ પર સૌથી વધુ ચર્ચા થઈ હતી.જેમાં શહેરોમાં વધતા જતા ટ્રાફિક અને પાર્કિંગની નબળી વ્યવસ્થા અંગે કમિશનરોને ખખડાવવામાં આવ્યા હતા. ફ્લાયઓવરના કામોમાં થતો વિલંબ અને ટ્રાફિક મેનેજમેન્ટમાં ઉદાસીનતા બદલ આકરા સવાલો કરવામાં આવ્યા હતા.
ચોમાસા બાદ રસ્તાઓની મરામત કરવામાં થયેલી ઢીલ અને હજુ પણ અનેક વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓને કારણે પ્રજાને પડતી હાલાકીનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો.
મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે તમામ પેન્ડિંગ ફાઈલો અને વિકાસકામોનો ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે. જો આગામી સમીક્ષા બેઠક સુધીમાં સંતોષકારક પરિણામ નહીં જોવા મળે, તો સીધી રીતે કારણ દર્શક નોટિસ આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રાજયના શહેરીજનોની સુવિધા એ અમારી પ્રાથમિકતા છે. બજેટ અને સંસાધનોની ફાળવણી છતાં જો કામો અટકેલા રહેશે, તો તેની જવાબદારી કમિશનરની રહેશે. "અહીં નોંધવું જરૂરી છે કે આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પ્રકારનું ડેમેજ થાય તે ચલાવી લેવામાં આવશે નહીં આથી તમામ અધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા.