ચીફ જસ્ટીસે ઈમરાન ખાનની ધરપકડ પર ઉઠાવ્યા સવાલ, ધરપકડના વિડીયો આવ્યા સામે

  • May 09, 2023 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાની રેન્જર્સે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરી હતી. ઈમરાન ખાન ભ્રષ્ટાચાર સહિતના અનેક મામલામાં જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા. અહેવાલ મુજબ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ તેમની ધરપકડની પુષ્ટિ કરી છે. ગયા વર્ષે એક રેલી દરમિયાન ઈમરાન ખાન પર જીવલેણ હુમલો પણ થયો હતો. જો કે આ હુમલામાં તેનો આબાદ બચાવ થયો હતો.


આ દરમિયાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમર ફારુકે ઈમરાન ખાનની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગૃહ મંત્રાલયના સચિવ અને ઈસ્લામાબાદના પોલીસ વડાને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ ફારુકે કહ્યું કે જો પોલીસ વડા કોર્ટમાં હાજર નહીં થાય તો અમે પાકિસ્તાનના વડાપ્રધાનને અહીં બોલાવીશું. આ લોકોએ કોર્ટમાં આવીને જણાવવું જોઈએ કે કયા કેસમાં અને શા માટે ઈમરાનની ધરપકડ કરવામાં આવી?


ઈમરાન ખાનની લાહોર રેલી બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ રેલીમાં તેણે પાકિસ્તાની સેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પોતાની રેલીમાં ઈમરાને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પર નિશાન સાધ્યું હતું.


લાહોરની રેલીમાં ઈમરાન ખાને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે મેજર જનરલ ફૈઝલ નસીર તેને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા.


તેમની ધરપકડ પહેલા, વડા પ્રધાન શહેબાઝ શરીફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ ઈમરાન ખાનની સેના પર લાગેલા ગંભીર આરોપોની નિંદા કરી હતી. અહેવાલ મુજબ શરીફે કહ્યું કે રાજકીય લાભ માટે પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીને નિયમિતપણે બદનામ કરવા અને ધમકી આપવાનું ઈમરાન ખાનનું આ પગલું અત્યંત નિંદનીય છે.


ઈસ્લામાબાદ પોલીસ વતી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈના ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે હાઈકોર્ટ પર હાલમાં રેન્જર્સનો કબજો છે અને વકીલો પર અત્યાચાર થઈ રહ્યો છે.


ઈમરાનની ધરપકડ બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. કોર્ટની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનના વકીલ અને સમર્થકો સાથે પણ મારપીટ કરવામાં આવી છે.


પાકિસ્તાનની સેનાએ સોમવારે જ ઈમરાન ખાનના નિવેદનની આકરી ટીકા કરી હતી. પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ તેના નિવેદનમાં કહ્યું કે ઇમરાન ખાનના "બનાવટ અને દૂષિત આરોપો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, નિંદાપાત્ર અને અસ્વીકાર્ય છે". નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષથી એવું જોવામાં આવી રહ્યું છે કે સેના અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓને રાજકીય હેતુઓ માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમના પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે.


ગયા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાનના વજીરાબાદમાં એક રેલી દરમિયાન ઈમરાન ખાનને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં તેમને પગમાં ગોળી વાગી હતી અને ઈજા થઈ હતી. આ પછી ઈમરાન ખાને આ હુમલા માટે શાહબાઝ ખાનની સરકાર અને સૈન્ય સંસ્થાનને જવાબદાર ઠેરવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application