ચોમાસાની શરૂઆત સાથે જ અલગ-અલગ પ્રકારના વાયરસ અને બીમારીઓ માથું ઊંચકતી હોય છે. હાલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચિંતા વધારનારો ‘ચાંદીપુરા વાયરસ’ હવે મહેસાણા જિલ્લામાં પણ પ્રવેશી ચૂક્યો છે. આ વાયરસ ખાસ કરીને નાના બાળકોને પોતાનો શિકાર બનાવતો હોવાથી વિસનગર પંથકમાં વાલીઓ અને વહીવટી તંત્ર બંને એલર્ટ મોડ પર આવી ગયા છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાછડી ગામમાં ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર જિલ્લાના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. કેસની પુષ્ટિ થતાં જ તંત્ર દ્વારા આસપાસના અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સઘન સર્વેલન્સ અને જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાહતના સમાચાર એ છે કે હાલ વડનગર ખાતે દર્દીની સ્થિતિ સ્થિર છે અને ગામમાં અન્ય કોઈ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી.
આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં: ઘેર-ઘેર તપાસ શરૂ
લાછડી ગામમાં કેસ પોઝિટિવ આવતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમો ગામમાં ઉતારી દેવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓએ ગામના કુલ 183 ઘરોની રૂબરૂ મુલાકાત લઈને 821 જેટલા લોકોના સ્વાસ્થ્યની બારીકાઈથી તપાસ કરી છે. વાયરસ ફેલાવનારી સેન્ડ-ફ્લાય (રેતીની માખી) નો નાશ કરવા માટે સમગ્ર ગામમાં મેલેથીયોન પાવડરનું ડસ્ટિંગ (છંટકાવ) કરવામાં આવ્યું છે.
ચાંદીપુરાથી સંક્રમિત થયેલા દર્દીને હાલ વડનગરની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે અને હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.