પિતા-પુત્રના દર્શન માટે ભાવિકો ઉમટ્યા: અન્નકૂટ-ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા
બેટ દ્વારકાના હનુમાન દાંડી તીર્થક્ષેત્રે ચૈત્રી પૂર્ણિમાના પાવન અવસરે હનુમાનજીના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તીર્થક્ષેત્ર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં પિતા હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજજી સાથે બિરાજે છે.
ચૈત્રી પૂર્ણિમાના દિવસે સવારે 7:05 કલાકે હનુમાનજી મહારાજના પ્રાગટ્યોત્સવ સાથે મંગલા આરતી યોજાઈ હતી. ત્યારબાદ સવારે 10 વાગ્યે મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યે અન્નકુટ દર્શન મનોરથનું આયોજન કરાયું અને બપોરે 12 વાગ્યાથી સમૂહ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દ્વારકાના સિદ્ધનાથ મંદિર પરિસરમાં આવેલા મારૂતિ નંદન હનુમાનજી મંદિરમાં પણ પ્રાગટ્યોત્સવની વિશેષ ઉજવણી કરાઈ છે. સવારે 5:30થી 6:00 દરમિયાન જન્મોત્સવની અભિષેક પૂજા અને આરતી યોજાઈ હતી. સવારે 10થી 12 દરમિયાન સત્યનારાયણ કથાનું આયોજન કરાયું અને બપોરે બટુક ભોજન રાખવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સાંજે 5 વાગ્યાથી સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતા. રાત્રે 8:30 વાગ્યે ઉત્સવ મહાઆરતી બાદ રાત્રે 10:30 વાગ્યા સુધી હનુમાન ચાલીસા પાઠ, ધૂન અને ભજનનું આયોજન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંદિરના પૂજારી ભદ્રેશભાઈ દવે તેમજ મારૂતિ નંદન ગૃપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.