ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના સંકુલમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં વિજેતા બનેલા એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાના સ્વાગત દરમિયાન સર્જાયેલા હંગામાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનામાં ભાવનગરના માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એચ. એસ. મુલિયા સાથે કરવામાં આવેલા અશોભનીય વર્તનને 'ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન' દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાનું ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકો દ્વારા ઢોલ-નગારા વગાડીને વિજયની ઉજવણી કરવામાં આવી રહી હતી. જોકે, કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચી હતી. જ્યારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવા મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો, ત્યારે જજ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે.
અમદાવાદ સ્થિત ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવ મુજબ, વકીલ દ્વારા કરવામાં આવેલું આ વર્તન ન્યાયતંત્રની સ્વતંત્રતા, સુરક્ષા અને કાર્યશૈલી પર સીધો હુમલો છે.