હોંગકોંગમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે ,જેમાં હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક કાર્ગો વિમાન રનવે પરથી લપસીને સમુદ્રમાં પડી ગયું, જેમાં બે લોકોના મોત થયા. તુર્કી કાર્ગો એરલાઇન એર એસીટી, અમીરાત ફ્લાઇટ ઈકે 9788, બોઇંગ 747-481 નું માલિકીનું આ વિમાન દુબઈથી સ્થાનિક સમય મુજબ લગભગ 03:50 વાગ્યે આવી રહ્યું હતું અને રનવે પર એક વાહન સાથે અથડાયું ત્યાર બાદ સમુદ્રમાં પડી ગયું હતું.
નાગરિક ઉડ્ડયન વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટના બે ગ્રાઉન્ડ સ્ટાફ સમુદ્રમાં ખાબક્યા હતા.. સ્થાનિક મીડિયાએ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે તેમને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. જો કે, વિમાનમાં સવાર ચાર ક્રૂ સભ્યો બચી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં અકસ્માત થયો તે રનવે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ એરપોર્ટના અન્ય બે રનવે હજુ પણ કાર્યરત છે. મીડિયા અહેવાલો અનુસાર, હોંગકોંગની સરકારી ઉડ્ડયન સેવાએ અસરગ્રસ્ત રનવે પર હેલિકોપ્ટર તૈનાત કર્યા છે, જ્યારે ફાયર વિભાગના જહાજો પણ બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
11 કાર્ગો ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ
એરપોર્ટ ઓથોરિટીની વેબસાઇટ અનુસાર, સોમવારે હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચવાની ઓછામાં ઓછી 11 કાર્ગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે આ એક દુર્લભ ઘટના છે, જેનો સલામતી રેકોર્ડ સારો છે.
દુબઈથી આવેલી ફ્લાઇટએ સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 3:50 વાગ્યે હોંગકોંગમાં ઉતરાણ કર્યું. એરપોર્ટે પુષ્ટિ આપી હતી કે વિમાનમાં અમીરાતનો ફ્લાઇટ નંબર હતો.