BREAKING NEWS

જામનગર  : જામ્યુકો બજેટના કેપીટલ ગ્રાન્ટના અંદાજ ખોટા, વિકાસકાર્યોના હવાઇ કીલ્લા..!

  • February 04, 2026 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર મહાનગરપાલીકાના અંદાજપત્રમાં દર વર્ષે રાજય સરકાર તરફથી કરોડોની કેપીટલ ગ્રાન્ટની ફાળવણી એટલે કે આવક થશે તેના અંદાજ દર્શાવામાં આવે છે. આટલું જ નહીં આ ગ્રાન્ટના અંદાજ કરતા વધુ ખર્ચ દર્શાવામાં આવે છે. પરંતુ સરકાર દ્રારા કેપીટલ ગ્રાન્ટની અપૂરતી ફાળવણી કરવામાં આવતા મનપાના બજેટમાં દર્શાવેલા કેપીટલ ગ્રાન્ટના અંદાજ ખોટા પુરવાર થઇ રહ્યાની સ્થિતિ પ્રર્વતી રહી છે. નવાઇની વાત તો એ છે કે, રાજય અને મનપામાં ભાજપનું શાસન હોવા છતાં અપૂરતી ગ્રાન્ટની ફાળવણી બાદ પણ જામનગર મહાનગરપાલીકા  આવક કરતા વધુ ખર્ચ એટલે કે પછેડી કરતા વધુ સોડ તાણી શહેરીજનોને વિકાસના દીવાસ્વપ્નો બતાવી રહી છે. ગ્રાન્ટના અભાવે મોટાભાગના વિકાસના કામો અઘ્ધરતાલ રહેતા અને સમયસર પૂર્ણ ન થતાં ખર્ચમાં તોતીંગ વધારો થતા આ બોજ પરોક્ષ રીતે શહેરીજનો પર પડે છે. ત્યારે બજેટમાં તલસ્પર્શી અભ્યાસનો અભાવ કે અન્ય કારણો જવાબદાર? તે અણિયારો સવાલ ઉઠ્યો છે. 


જામનગર મહાનગરપાલીકાની શુક્રવારે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગમાં કમિશ્ર્નરે વર્ષ ૨૦૨૫-૨૬નું રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફટ અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ બજેટમાં પણ દર વર્ષની જેમ કેપીટલ ગ્રાન્ટની આવક સામે ખર્ચનો વધુ અંદાજ દર્શાવાયો છે. જેમાં કેપીટલ ગ્રાન્ટની ૧૦૦૮.૪૦ કરોડની આવકના અંદાજ સામે કેપીટલ ગ્રાન્ટનો રૂ.૧૧૫૮.૪૦ કરોડનો ખર્ચ દર્શાવાયો છે. આમ કેપીટલ ગ્રાન્ટની આવક કરતા રૂ.૧૫૦ કરોડનો વધુ ખર્ચનો અંદાજ વ્યકત કરાયો છે. પરંતુ ચાલુ વર્ષ દરમ્યાન આટલી ગ્રાન્ટની ફાળવણી થશે એટલે કે આવશે કે કેમ તે સળગતો સવાલ છે. વર્ષ ૨૦૨૫-૨૬ એટલે ગત વર્ષના મનપાના બજેટમાં રીવાઇઝડ અંદાજના ખર્ચ અને આવકના આંકડા પણ  ચોકાવનારા છે. કારણ કે, વર્ષ ૨૦૨૫-૨૬ના મંજૂર કરેલા ગ્રાન્ટ ટ્રાન્સફર સહીતના અંદાજમાં કેપીટલ ગ્રાન્ટની આવક રૂ.૭૨૮ કરોડ દર્શાવામાં આવી હતી. જેની સામે રીવાઇઝડ અંદાજ રૂ.૫૭૪ કરોડ દર્શાવાયો હતો. આટલું જનહીં આ રીતે કેપીટલ ગ્રાન્ટ ખર્ચ રૂ.૯૧૯.૨૧ કરોડની સામે રીવાઇઝડ અંદાજ ૭૦૮.૬૦ કરોડ દર્શાવામાં આવ્યો છે. આમ વર્ષ ૨૦૨૫-૨૬ના રીવાઇઝડ અંદાજમાં કેપીટલ ગ્રાન્ટના મૂળ અંદાજ ૭૨૮.૦૦ કરોડ સામે ૫૭૪.૭૦ દર્શાવી ૧૫૩.૩૦ કરોડનો ઘટાડો દર્શાવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે.


આજ રીતે વર્ષ ૨૦૨૪-૨૫ના રીવાઇઝડ અંદાજપત્રમાં કેપીટલ ગ્રાન્ટની ૬૮૯.૦૦ કરોડના આવકના અંદાજ સામે ૫૫૭.૭૦ કરોડનો અંદાજ દર્શાવાયો હતો. જયારે કેપીટલ ગ્રાન્ટના રૂ.૮૮૫.૦૦ કરોડના ખર્ચ સામે ૭૨૭.૦૦ કરોડનો રીવાઇઝડ અંદાજ દર્શાવાયો હતો. આમ વર્ષ ૨૦૨૪-૨૫ના રીવાઇઝડ અંદાજમાં કેપીટલ ગ્રાન્ટના રૂ.૬૮૯.૦૦ કરોડના મૂળ અંદાજ સામે ૫૫૭.૭૦ કરોડનો રીવાઇઝડ અંદાજ દર્શાવી ૧૩૧.૩૦ કરોડનો ઘટાડો દર્શાવામાં આવ્યો હતો. આમ દર વર્ષ મનપાના અંદાજપત્રમાં કેપીટલ ગ્રાન્ટના અંદાજ સામે અપૂરતી ફાળવણીથી ગ્રાન્ટની અંદાજ મુજબ આવક થતી નથી. અપૂરતી ગ્રાન્ટના કારણે વિકાસકાર્યો સમયસર થતા નથી. આટલું જ નહીં વિકાસ કામો ખોરંભે પડતા ખર્ચમાં ઘરખમ વધારો થઇ રહ્યો છે.


આ બોજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શહેરીજનો પર પડી રહ્યો છે.  આ બાબતથી મનપાના સતાધીશો અને અધિકારીઓ સારી રીતે વાકેફ છે. આમ છતાં મનપા દર વર્ષે બજેટમાં નવા નવા હવાઇકીલ્લા સમાન વીકાસકાર્યો કે જેનું બજેટમાં વખતોવખત પુનરાવર્તન કરવામાં આવ્યું હોવા છતાં શરૂ થતા ન હોય તે પ્રકારના કાર્યોના દર વર્ષ દીવાસ્વપ્નો બતાવી શહેરીજનોને ઉલ્ટા ચશ્મા પહેરાવી રહી છે. બીજી બાજુ ગ્રાન્ટ સિવાય મનપાને વેરા, અન્ય ચાર્જ સહીતની આવક થાય છે. પરંતુ વેરા વસૂલાતમાં વામણી નહીં પરંતુ મોટા ભાગે મહાનગરપાલીકા નિષ્ફળ પુરવાર થતાં રૂ.૮૪૮ કરોડથી વધુનું લેણું બાકી છે. જો આ લેણાંની વસૂલાત કરવામાં આવે તો રાજયસરકારની ગ્રાન્ટની નહીંવત જરૂર પડે તેમાં બેમત નથી. આટલું જ નહીં વિકાસકાર્યો ઝડપથી પૂરા થાય અને અન્ય શહેરોની જેમ જામનગરનો વિકાસ પણ જેટ ગતિએ થાય તેમાં શંકાને સ્થાન નથી. 



ચોકકસ કામની ગ્રાન્ટનો અન્ય કામમાં ખર્ચ કરાતા વિકાસકાર્યો ખોરંભે, શહેરનો રૂંધાતો વિકાસ

જામ્યુકોના બજેટમાં મોટાભાગના વિકાસ કામો ગ્રાન્ટ આધારિત હોય ફાળવણી થયે શરૂ  કરવામાં આવશે તેમ દર્શાવામાં આવે છે. બજેટમાં દર્શાવેલા કામો માટે રાજય સરકાર પાસે જામનગર મહાનગરપાલીકા ગ્રાન્ટની માંગણી કરે છે. આથી સરકાર દ્રારા ચોકકસ કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ જે કામ  માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેના બદલે અન્ય કામ અને કર્મચારીઓના પગારમાં  પણ ગ્રાન્ટની રકમ વાપરવામાં આવી હોવાના કિસ્સા ઘણી વખત બની ચૂકયા છે. જેના કારણે કામો સમયસર પૂર્ણ ન થતાં શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે.


અહો આશ્ર્ચર્યમ..ગ્રાન્ટની પૂરી આવતી નથી છતાં આવકમાં ઘટાડાનો અંદાજ

જામનગર મહાનગરપાલીકા દ્રારા દર વર્ષે બજેટમાં રાજય સરકાર તરફથી મળતી કેપીટલ ગ્રાન્ટના મસમોટા અંદાજ બજેટમાં રજૂ કરે છે. પરંતુ આ અંદાજ મુજબ પૂરતી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી નથી. આમ છતાં વર્ષ ૨૦૨૫-૨૬ના રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ અંદાજપત્રમાં આવકમાં ઘટાડાનો અંદાજ વ્યકત કરાયો છે. જેમાં ટાઉનપ્લાનીંગની આવકમાં રૂ.૧.૧૦ કરોડ, મીટરવાળી ઉપજમાં રૂ.૩.૨૫ કરોડ, મહેસૂલી ગ્રાન્ટમાં રૂ.૯.૯૮ કરોડ, કેપીટલ સ્વભંડોળમાં રૂ.૭૯.૪૨ કરોડના ઘટાડાનો અંદાજ વ્યકત કરાયો છે. આમ મૂળ અંદાજપત્ર મુજબ કુલ ૧૪૩૪.૮૨ કરોડની સામે રીવાઇઝડ અંદાજપત્ર મુજબ રૂ.૧૨૦૮.૯૦ કરોડની આવક દર્શાવામાં આવી છે. જેમાં આવકમાં રૂ.૨૯.૭૬ કરોડના વધારા સામે કુલ રૂ.૨૫૫.૬૮ કરોડનો ઘટાડો દર્શાવામાં આવ્યો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application