જામનગરના વિકાસ કામો કેટલે પહોંચ્યા અને તેમાં હવે શું જરૂરીયાત છે ? આગામી ચૂંટણીને ઘ્યાનમાં લઇને આ કામો કેટલા સ્ટેજે પહોંચ્યા ? તે અંગે ચર્ચા-વિચારણા કરવા માટે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મેયર વિનોદ ખીમસુરીયા, ચેરમેન નિલેશ કગથરા અને મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીને ગાંધીનગર બોલાવ્યા છે, બપોરે ૧૨ વાગ્યે જામનગરના પદાધિકારીઓ રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળીને જામનગરના વિકાસના આયોજન વિશે વાતચીત કરી હતી.
જામનગરમાં રૂ.૬૦૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેકટ શરૂ થયો છે અને તેની ગ્રાન્ટ માટે પણ રાજયના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે, આ ઉપરાંત ઠેબા ચોકડી પાસેનો બાયપાસ, લાલપુર ચોકડી પાસેનો બાયપાસ, સૈનિક ભવન પાસેનો બ્રિજ, આધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સમર્પણ હોસ્પિટલ પાસે ઓવરબ્રિજ સહિતના અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે અને કેટલાક કામો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે તેના માટે મુખ્યમંત્રીને અલગ ગ્રાન્ટ ફાળવવા પણ રજૂઆત કરવામાં આવે તેવી શકયતા છે.
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવશે, જો કે આજે જામનગર સહિત રાજયની તમામ મહાપાલીકાના મેયર અને ચેરમેનને ગાંધીનગર રૂબરૂ બોલાવવામાં આવ્યા છે અને સાંજે તેઓ મુખ્યમંત્રી સાથે ચર્ચા-વિચારણામાં ભાગ લેશે. ચૂંટણીને ઘ્યાનમાં લઇને કેટલાક નવા પ્રોજેકટો પણ શરૂ થઇ શકશે કે કેમ તે અંગે પણ માહિતી મેળવવામાં આવશે, આ મીટીંગમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચીવ મનોજકુમાર દાસ સહિતના ઉપસ્થિત રહે તેવી શકયતા છે.
જામનગરથી મેયર, ચેરમેન અને કમિશ્નર ગાંધીનગર પહોંચી ગયા છે અને તેઓ બપોરે ગૃહમંત્રી અને સાંજે મુખ્યમંત્રીને મળીને જામનગરની સ્થિતિ અંગેનો અહેવાલ પણ રજૂ કરશે. આગામી દિવસોમાં કદાચ ચૂંટણીને ઘ્યાનમાં લઇને જામનગરને અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.