BREAKING NEWS

શહેરમાં CID એન્ટી નાર્કોટિક્સ વિભાગનો પ્રારંભ, પોલીસ સાથે મળી કરશે કામગીરી

  • January 16, 2026 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાયેલ જેમાં પોલીસ કમિશનરએ રાજકોટ ઝોનમાં શરુ કરાયેલા સીઆઈડી એન્ટી નાર્કોટિક્સ વિભાગને રાજકોટ પોલીસ સાથે સંકલનમાં રહી નશીલા દ્રવ્યો ગાંજો અને નાર્કોટિક્સ ડ્રગ્સના વધુને વધુ કેસ કરવા નિર્દેશ આપ્યા હતાં. તેમજ એન.ડી.પી.એસ.ના કેસમાં આરોપીને વધુમાં વધુ સજા મળે તે પ્રકારે કામગીરી કરવા પણ સૂચના આપી આદેશ કરવામાં આવ્યા હતા.

આ અંગે વધુમાં જેસીપી મહેન્દ્ર બગરિયાએ પોલીસ તેમજ ખેતી વાડી વિભાગને સંયુક્ત રીતે ગાંજાની ખેતી ન થાય તે અંગે ગ્રામ્ય લોકો, ખેડૂતોમાં જનજાગૃતિ કરવા તાકીદ રાખવા તેમજ શાળા કોલેજના પી.ટી. શિક્ષકો પણ વિદ્યાર્થીઓને પણ ડ્રગ્સના દુષણથી દૂર રહેવા માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપી જગદીશ બાંગરવાએ એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ચાલુ માસે કરવામાં આવેલી કામગીરી અન્વયે શાળા, કોલેજમાં જનજગૃતિ કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી, એસઓજી અને પોલીસ વિભાગ દ્વારા ગાંજા અને એમ.ડી. ડ્રગ્સના વેચાણ કરતા ૨ કેસમાં ૪ આરોપી વિરુદ્ધ એનડીપીએસના કેસ, શાળા આસપાસ ૧૦૦ મીટરમાં પ્રતિબંધ હોવા છતાં તંબાકુ સંબંધી વેચાણકર્તા પાન ગલ્લા વિરુદ્ધ કોપટા એક્ટ હેઠળ ૧૨૧ કેસમાં રૂ. ૨૪,૨૦૦ નો દંડ કરાયાનું જણાવ્યું હતું.

ડ્રગ્સના વેચાણકર્તા હોય તેવા લોકો પર ૨૯૮ મેન્ટર કામગીરી કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત વન વિભાગ, મહાનગરપાલિકા, ફૂડ એન્ડ ડ્રગ્સ, આરોગ્ય વિભાગ દ્વારા સર્ચ અને જનજાગૃતિ અંગે કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડવામાં આવી હતી.


ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ કો ઓડીનેશન સેન્ટરની બેઠકમાં ડીસીપી રાકેશ દેસાઈ, એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજા સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કસ્ટમ, સમાજ સુરક્ષા, ફૂડ એન્ડ ડ્રગ્સ, ફોરેન્સિક, સિવિલ, મનોચિકિત્સક, રિહેબિલિટેશન, કૃષિ અને વન વિભાગ, તોલમાપ, સાયન્ટિફિક સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application