ગોંડલના મોવિયા રોડ પર રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર ડૈયા ગામે અજાણ્યા શખસે બોથડ પદાર્થના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યાના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા વેપારી યુવાનનું રાજકોટ સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. પત્નીને પાડોશમાં રહેતા શખસ સાથે આંખ મળી ગયા બાદ પતિને પતાવી દેવા પત્નીએ પ્રેમી સાથે મળીને કારસો રચ્યો હતો. પોલીસે બંન્નેની ધરપકડ કર્યા બાદ હવે બંને સામે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.
ગોંડલના દેવપરામાં પરમાર ફળીમાં ખાંટકા શેરીમાં રહેતા 32 વર્ષીય વેપારી યાસિનભાઈ ઇબ્રાહીમભાઈ કબીરે આરોપી તરીકે અજાણ્યા શખસનું નામ આપી જણાવ્યું હતું કે, તેમનો મોટો ભાઈ જુનેદભાઈએ બીજા લગ્ન નામિયાબાનું વરીયા (રહે, પ્રભાસ પાટણ, ગિરસોમનાથ) સાથે કર્યા છે. તેમને સંતાનમાં એક દીકરી હાનીયા (ઉ.વ.૪) છે. જુનેદભાઈ મોવિયા રોડ ઉપર એચ.એમ.બી. પ્રોવિઝન સ્ટોર નામની દુકાન છેલ્લા સાત મહિનાથી ચલાવે છે. વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેમના ભાભી નામિયાબાનુનો ફોન આવેલ કે, તમારા ભાઈ જુનેદભાઇ રાત્રીમાં થોડીવારમાં આવું છું તેમ કહી જતા રહેલ હતા અને હજુ સુધી ઘરે આવેલ નથી.
બાદમાં યુવાન ડૈયા નદીના કાંઠે ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. જેથી તેને રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ એસપી વિજયસિંહ ગુર્જર આરોપીઓને તુરંત પકડી પાડવાની આપેલ સૂચનાથી એલસીબી પીઆઈ જે. પી.રાવની રાહબરીમાં ટીમ તપાસમાં જોડાઈ હતી.
અલગ અલગ ટીમોએ ટેકનિકલ વર્ક, હયુમન સોર્સ તથા સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતાં ઇજા પામનાર તથા તેના પરીવાર બાબતે માહીતી મેળવતા ઇજા પામનાર જુનેદ ઇબ્રાહીમભાઇ કબીરની પત્ની નામીયાને તેમના પાડોશમાં રહેતા આશીફ સતાર ડેલા નામના માણસ સાથે પ્રેમ સબંધ હોવાની માહીતી મળતા આશીફ ડેલાની આગવી ઢબે પુછપરછ કરતા પોતાને નામીયા સાથે પ્રેમ સબંધ હોવાની કબૂલાત આપી હતી.
તેમજ જુનેદ નામીયાને ખુબજ ત્રાસ આપી માર મારતો હોય જેથી જુનેદથી કંટાળી ગઇ હતી. આશીફ તથા નામીયા બન્નેને નિકાહ કરવા હોય જેથી બન્નેએ મળી જુનેદનો રસ્તો કરવા કાવત્રુ રચેલ હતું. આશીફએ જુનેદને પૈસા કમાવવાની લાલચ આપી ડૈયા ગામની સીમમાં ઇદગાહ વાળા રસ્તે નદીકાંઠે રાત્રીના સમયે લઇ જઈ મારી નાખવાના ઇરાદે માથામા પત્થરના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યાનું ખૂલતાં આરોપી આશીફ સતાર ડેલા (ઉ.વ.૩૧, રહે.મુળ ગામ વેકરી ગોંડલ, હાલ રહે.ગોંડલ મોવિયા રોડ એવન સિમેન્ટ પ્રોક્ટના કારખાના પાસે) અને નામીયા જુનેદભાઇ ઇબ્રાહીમભાઇ કબીર (ઉ.વ.૨૩) ની ધરપકડ કરી ગોંડલ તાલુકા પોલીસને સોપી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
બીજી તરફ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વેપારીએ ગત મોડી રાત્રે સારવાર દરમિયાન દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જેથી સ્થાનિક પોલીસે હવે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.