જામનગરમાં સાયચા બંધુઓના ગેરકાયદે બંગલા પર બૂલડોઝર

  • March 08, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતનો જંગી પોલીસ કાફલો વહિવટી તંત્ર અને મહાનગર પાલિકાની ટીમની હાજરી: ગઈકાલે પંચનામું કરાયા બાદ આજ સવારે બે જેસીબીથી પાડતોડ શરુ: સાયચા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાઈ ચૂક્યો છે: સરકારી ખરાબાની પપ૦૦ ફૂટ જગ્યા કરાવાશે ખાલી

બેડીમાં સરકારી ખરાબા પર ખડકી દેવામાં આવેલા સાયચા બંધુઓના બે બંગલા પર આજ સવારથી જંગી પોલીસ કાફલા સાથે બૂલડોઝર ફેરવવાનું શરુ કરવામાં આવ્યું છે, કુલ પપ૦૦ ફૂટ જગ્યા પર ખડકી દેવામાં આવેલા બન્ને બંગલા તોડી પાડવામાં આવશે, જિલ્લા પોલીસ વડા, વહિવટી તંત્ર, જામ્યુકો તંત્રના અધિકારીઓનો કાફલો પણ સવારથી જ બેડી પહોંચી ગયો હતો, કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ માટે મોટો પોલીસ કાફલો ઊતારવામાં આવ્યો હતો. અત્રે નોંધનિય છે કે, સાયચા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.
આજ સવારથી બેડી વિસ્તારમાં આવેલ રઝાક સાયચા અને સિકંદર સાયચાના ગેરકાયદે બંગલા ઉપર બે હિટાચી અને બે જેસીબી વડે તોડપાડ શરુ કરવામાં આવી છે, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આ કામ થઈ રહ્યું છે જેમાં સિટી મામલતદાર ઉપરાંત કોર્પોરેશનના એસ્ટેટના સુનિલ ભાનુશાળી, પાંચ પીઆઈ તેમજ પોલીસનો મોટો કાફલો આ બાંધકામ તોડવાની કાર્યવાહીમાં જોડાયો છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ૩ હજાર ફૂટનો એક આલિશાન બંગલો તેમજ સરકારી ખરાબામાં બનેલો બીજો રપ૦૦ ફૂટનો આલિશાન બંગલો પણ તોડી પાડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ અગાઉ પણ એક બંગલો તોડી પડાયો હતો. આજ સવારથી પાડતોડની કાર્યવાહી શરુ કરાઈ ત્યારે પોલીસનો જંગી કાફલો ગોઠવાયો હતો. લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં, પરંતુ કોઈપણ જાતના અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, એસપી પ્રેમસુખ ડેલુ, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાનુસાર કલેકટર કચેરી હસ્તકની ખરાબાની જમીન દૂર કરવા માટે કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.
આ અગાઉ પણ આલિશાન બંગલો તોડાયો ત્યારે પણ પોલીસનો મોટા કાફલો ખડકી દેવાયો હતો. જો કે, આજે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આ પાડતોડ શરુ કરી દેવાઈ છે જે સાંજ સુધીમાં પૂરી થઈ જશે અને આશરે પપ૦૦ ફૂટથી વધુ ગેરકાયદે બાંધકામ જેસીબી વડે દૂર કરી દેવામાં આવશે.
વર્ષો પહેલાં સલાયામાં તત્કાલિન પોલીસ વડા સતીષ વર્મા દ્વારા મૅગા ઑપરેશન ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને ગુનેગારો દ્વારા બાંધવામાં આવેલા સંખ્યાબંધ ગેરકાયદે બંગલાઓ ઉપર બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું ત્યારે જામનગર જિલ્લામાં ગેરકાયદે બાંધકામો તોડવા માટેનું સૌ પ્રથમ મોટું ઑપરેશન થયું હતું.
તાજેતરમાં દ્વારકાના બેટ ખાતે પણ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન નીચે વહિવટી તંત્રની સાથે મળીને સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં અને ત્યારે પણ એવો સંકેત અપાયો હતો કે, દ્વારકા તથા જામનગર જિલ્લામાં જ્યાં પણ ગેરકાયદે બાંધકામ હશે તેને ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ તોડી પાડવામાં આવશે.
તેના થોડાં દિવસ પછી જ બેડીમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી મિલ્કતોની તપાસ શરુ થઈ હતી અને સાયચા બંધુઓ દ્વારા સરકારી ખરાબા પર મકાન નહીં પરંતુ બે બંગલા ખડકી દેવામાં આવ્યા હોવાનું વહિવટી તંત્રએ જાહેર કર્યા બાદ પોલીસ સહિતનું આખું તંત્ર હરકતમાં આવ્યું હતું. જે તે સમયે કાર્યવાહી કરાયા બાદ ગઈ સાંજે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સાયચા બંધુઓના બંગલા પર પહોંચ્યો હતો અને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આજ સવારથી બે બૂલડોઝર અને જંગી પોલીસ કાફલાના બંદોબસ્ત સાથે કદાચ લાખોની કિંમતના બંગલાઓ તોડી પાડવાનું શરુ થતાં જામનગર શહેર જિલ્લામાં સરકારી અને પારકી જમીન પર દબાણ કરનારાઓમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે.
જામનગરના બેડીના ઢાળીયાથી પાણાખાણ વિસ્તારમાં રજાક સાઇચા દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે બંગલો ઉભો કરી દેતા લેન્ડગ્રેબીંગ હેઠળ ફરીયાદ દાખલ થતા ગઇકાલે પોલીસ દ્વારા પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી દરમ્યાન આજે તંત્ર દ્વારા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સીટી-બી ડીવીઝનના પીઆઇ ઝાલા, સીટી-એ ડીવીઝન પીઆઇ ચાવડા, બંને ડીવીઝનના પીએસઆઇ તથા પોલીસ સ્ટાફ સહિતનો કાફલો દોડી ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
***
સાઇચાનો ગુનાહીત ઇતિહાસ
તાજેતરમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરમાં સ્પષ્ટ શબ્દોમાં અસામાજીક તત્વોને છોડવામાં આવશે નહીં અને કુખ્યાત ગેંગનો ઉલ્લેખ કર્યો હતો દરમ્યાન જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ શહેરમાં જુગારના અડ્ડાઓથી લઇને સામાન્ય લોકોને રંઝાડી મારામારી, ખુનની કોશિષ સહિતના ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત રજાક સાઇચાના સરકારી જગ્યા પર બનેલા ગેરકાયદે બંગલા પર અગાઉ બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતું, ત્યાર બાદ વધુ એક લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ દાખલ થતા અતી કિંમતી બે બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. કુખ્યાત ગુનેગાર રજાક સાઇચા વિરુઘ્ધ જામનગરમાં ખુનની કોશિષ, રાયોટીંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, આપઘાત માટે દુષ્પ્રેરણા, જુગાર, પ્રોહીબીશન જેવા અંદાજે ૫૦ કરતા વધારે ગુનાઓ દાખલ થયેલા છે, આમ આ પ્રકારની અસામાજીક પ્રવૃતીઓ કરતા ગુનેગાર વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા ગુંડા તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે અને નાગરીકોમાં હર્ષ સાથે પોલીસ કામગીરીથી સંતોષની લાગણી પ્રસરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application