બ્રિટનના વડાપ્રધાન રિશિ સુનકનાં પત્નીને એક જ દિવસમાં થયું મોટું નુકસાન

  • April 18, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સુનકનાં પત્ની અને નારાયણ મૂર્તિનાં દીકરીએ શેરમાં 6.1 કરોડ ડોલર ગુમાવ્યા
  • યુકેમાં અક્ષતા મૂર્તિ નોન-ડોમિસાઈલ સ્ટેટસ ધરાવતા હોવાથી વિવાદોમાં ઘેરાયા


બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન રિશિ સુનકનાં પત્ની અક્ષતા મૂર્તિને સોમવારે એક જ દિવસની અંદર 6.1 કરોડ ડોલરનું નુકસાન વેઠવું પડ્યું. કારણ? અક્ષતા મૂર્તિ પાસે આઈટી કંપની ઈન્ફોસિસના લગભગ 0.94 ટકા શેર છે અને ગઈકાલે આ શેર 9.4 ટકા તૂટી ગયો હતો. તેના કારણે અક્ષતા મૂર્તિની નેટવર્થ પણ 61 મિલિયન ડોલર જેટલી ઘટી ગઈ હતી.


રિશિ સુનક યુકેના વડાપ્રધાન બન્યા પછી ઈન્ફોસિસના શેરમાં આટલો મોટો ઘટાડો પહેલી વખત આવ્યો છે. અક્ષતા ઈન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિની પુત્રી છે. આમ યુકેના વડાપ્રધાન એ ભારતીય બિઝનેસમેનના જમાઈ થાય છે. ઈન્ફોસિસે તાજેતરમાં તેના ત્રિમાસિક રિઝલ્ટની જાહેરાત કરી હતી. તેમાં તેણે નબળું ગાઈડન્સ આપતા ઈન્ફીના શેરને ફટકો પડ્યો છે. ઈન્ફોસિસના શેરમાં ગઈકાલે 9.4 ટકાનો ઘટાડો થયો તે માર્ચ 2020થી અત્યાર સુધીમાં સૌથી મોટો કડાકો હતો.


જોકે, સુનક પરિવારના સંપત્તિને ધ્યાનમાં લેવામાં આવે તો અક્ષતા મૂર્તિને જે નુકસાન થયું તે કાનખજૂરાના પગ જેટલું કહી શકાય. ઈન્ફોસિસમાં અક્ષતાના સ્ટેકની કિંમત લગભગ 45 કરોડ પાઉન્ડ આંકવામાં આવે છે. યુકેમાં આ એક વિવાદાસ્પદ મુદ્દો બન્યો છે કારણ કે યુકેના વડાપ્રધાન અત્યંત ધનિક પરિવારમાંથી આવે છે જ્યારે મિડલ ક્લાસ અત્યારે મોંઘવારીના મારના કારણે બેહાલ છે.


આ ઉપરાંત અક્ષતા મૂર્તિ નોન-ડોમિસાઈલ સ્ટેટસ ધરાવે છે તેથી તેઓ યુકે બહારથી જે કમાણી કરે છે તેના પર યુકેમાં ટેક્સ ભરવા માટે બંધાયેલા નથી. યુકેના વડાપ્રધાનપદે રિશિ સુનકને નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે આ મુદ્દે ભારે વિવાદ પણ થયો હતો. પરંતુ રિશિએ હંમેશા અક્ષતા મૂર્તિનો બચાવ કર્યો છે.



તાજેતરમાં ઈન્ફોસિસ દ્વારા તેના રોકાણકારોને ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે તેના લાભાર્થીઓમાં અક્ષતા મૂર્તિ પણ સામેલ છે. ઈન્ફોસિસે ડિવિડન્ડની જાહેરાત કરી તેના કારણે અક્ષતા મૂર્તિને 68 કરોડ રૂપિયાથી વધુ આવક થશે. ઈન્ફોસિસના બોર્ડે માટે 2 જૂન 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. નાણાકીય વર્ષ 2023 માટે ઈન્ફોસિસે શેર દીઠ 17.50ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે અક્ષતા હાલમાં ઈન્ફોસિસના 3.89 કરોડ શેરના માલિક છે.

આજે પણ ઈન્ફોસિસનો શેર રેડ ઝોનમાં છે અને આ લખાય છે ત્યારે 0.30 ટકા ઘટીને 1254 પર ચાલે છે. છેલ્લા પાંચ દિવસમાં આ શેર 12 ટકા ઘટ્યો છે જ્યારે છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકમાં 22 ટકાનો ઘટાડો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application