BREAKING NEWS

રાજકોટમાં પરણિત પ્રેમી સાથે લિવઇનમાં રહેતી યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

  • June 23, 2026 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ નવાગઢની અને હાલ રાજકોટમાં પરણિત પ્રેમી સાથે લિવઇનમાં રહેતી યુવતીની લટકતી હાલતમાં ફ્લેટમાંથી લાશ મળી આવતા પરિવારજનો સહિતના દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારે જૂનાગઢ રહેતા દીકરીના પરણિત પ્રેમી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દીકરીને મારકૂટ કરી મારી નાખી લટકાવી દીધી હતી અને બનાવને આપઘાતમાં ખપાવવા પ્રયાસ કર્યો છે, આક્ષેપોને પગલે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવી તપાસ હઠળ ધરી છે.


બનાવની મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર પરીન ફર્નિચર પાસે આવેલા આગમન સિટી સી. વિંગ 501 નંબરના ફ્લેટમાં રહેતી નંદની આણંદભાઈ બોસમીયા (ઉ.વ.23)ની યુવતીની ગત સાંજે સાતેક વાગ્યે ફ્લેટમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. નાની બહેન ફોન કરતી હોય પરંતુ નંદિની ફોન રિસીવ ન કરતા પરિચિત રવિભાઈ નામના વ્યક્તિએ ફ્લેટે જોવા માટે મોકલ્યા હતા જ્યાં જઈ જોતા ફ્લેટના હોલમાં નંદિની ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા બુમાબુમ કરી હતી આથી પડોશી સહિતના દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ નવાગઢ રહેતા પરિવારને થતા તેઓ પણ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. 108ના સ્ટાફે પોલીસને બનાવ અંગે ફોન મારફતે જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.


આપઘાત કરનાર નંદિની બે ભાઈ એક બહેનમાં મોટી હતી. પિતા લાકડાની પટ્ટીનું કામ કરે છે, નંદિની અગાઉ જૂનાગઢમાં એમઆરની નોકરી કરતી હતી ત્યારે સાથે નોકરી કરતા અસલમ નામના શખ્સ સાથે પરિચયમાં આવી હતી. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અસલમ પરણિત હતો. નંદિની રાજકોટમાં રહેવા રહેવા માટે આવી ગઈ હતી સાતેક મહિના પહેલા બંનેએ મૈત્રીકરાર કરી લેતા અસલમ રાજકોટ યુવતી સાથે રહેતો હતો. થોડા દિવસ રહ્યા બાદ પોતે જૂનાગઢ પત્ની પાસે જતો હતો જે બાબતે બને વચ્ચે અવારનવાર ઝગડાઓ થતા હતા જેના કારણે અસલમ મારકૂટ પણ કરતો હતો.

આથી આ ઝગડામાં અસલમે નંદિનીને મારી લાશને ટીંગાડી દઈ આપઘાતમાં ખપાવવા પ્રયાસ કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કરતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે જેના રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. પોલીસે તપાસ યથાવત રાખી છે.


નંદિની જેતપુર-નવાગઢ પાલિકાની આપમાંથી ચૂંટણી લડી હતી

આપઘાત કરનાર નંદિની બોસમીયા તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં જેતપુર-નવાગઢ નગર પાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી માંથી લડી હતી. પરંતુ જીતી શકી નહતી. જે બાદ હવે જિંદગીની બાજી પણ હારી જતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application