મેક્સિકો સિટી વિશ્વના એવા શહેરોમાં સામેલ થઈ ગયું છે જ્યાં જમીન ધસવાની ધર (Subsidence rate) સૌથી વધુ છે. NASA અને ISRO ના 'નિસાર' સેટેલાઇટે જમીનમાં થતા અત્યંત સૂક્ષ્મ ફેરફારોને ટ્રેક કરીને આ ભયાનક સત્ય દુનિયા સામે રાખ્યું છે. વૈજ્ઞાનિકોના મતે છેલ્લા 100 વર્ષથી આ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ તાજેતરમાં તેની ગતિમાં ચિંતાજનક વધારો થયો છે.
શહેરની ઇમારતો પર દેખાતી અસર
જમીન ધસવાને કારણે શહેરનું સ્થાપત્ય વેરવિખેર થઈ રહ્યું છે. નમતી ઇમારતોની વાત કરીએ તો શહેરનું પ્રખ્યાત કેથેડ્રલ અને તેની પાસે આવેલું ચર્ચ વિરુદ્ધ દિશામાં નમી ગયા છે. નેશનલ પેલેસની ઇમારત પણ ત્રાસી દેખાઈ રહી છે. આ ઉપરાંત શહેરનું જાણીતું 'એન્જલ ઓફ ઇન્ડિપેન્ડન્સ' સ્મારક 1910 માં બન્યું હતું. આસપાસની જમીન નીચે બેસી જવાને કારણે અત્યાર સુધીમાં આ સ્મારકની નીચે 14 નવી સીડીઓ ઉમેરવી પડી છે જેથી લોકો ત્યાં સુધી પહોંચી શકે.
શા માટે ધસી રહ્યું છે આ શહેર?
વૈજ્ઞાનિકોએ આ વિનાશ પાછળ મુખ્ય બે કારણો દર્શાવ્યા છે:
ભૂસ્તરીય બનાવટ: મેક્સિકો સિટી એક પ્રાચીન તળાવ (Lakebed) ના ઉપર વસેલું છે. અહીંની માટી અત્યંત નરમ અને ચીકણી છે, જે વજન સહન કરવાની ઓછી ક્ષમતા ધરાવે છે.
ભૂગર્ભ જળનું શોષણ: શહેરની પાણીની અડધી જરૂરિયાત ભૂગર્ભ જળમાંથી પૂરી થાય છે. જે ઝડપે જમીનમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે, તેટલી ઝડપે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી. પરિણામે જમીનના પડ અંદરથી સંકોચાઈ રહ્યા છે.
માળખાગત સુવિધાઓને નુકસાન
જમીન ધસવાના કારણે માત્ર ઇમારતો જ નહીં, પણ શહેરની જીવાદોરી સમાન સેવાઓને પણ અસર થઈ છે:
પાણીનો બગાડ: જમીન નીચે સરકતી હોવાથી પાણીની પાઇપલાઇનો વારંવાર ફાટી જાય છે, જેના કારણે શહેરનું 40% પીવાનું પાણી લીકેજમાં વેડફાય છે.
પરિવહન: રસ્તાઓમાં ગાબડાં પડવા અને મેટ્રો ટ્રેકના લેવલમાં ફેરફાર થવાથી અકસ્માતનો ભય વધી રહ્યો છે.
NISAR સેટેલાઇટની ભૂમિકા
નાસાના વૈજ્ઞાનિક મારિન ગોવોરચિનના જણાવ્યા મુજબ, નિસાર સેટેલાઇટ દ્વારા મળતા ડેટાથી હવે એ સમજવું સરળ બનશે કે કયા વિસ્તારોમાં જોખમ સૌથી વધુ છે. આ ટેકનોલોજીની મદદથી મેક્સિકો પ્રશાસન ભવિષ્યના જોખમોને ઘટાડવા માટે પ્લાનિંગ કરી શકશે. જો ભૂગર્ભ જળના નિષ્કર્ષણ પર લગામ નહીં ખેંચાય, તો આવનારા સમયમાં મેક્સિકો સિટીમાં પાણીની ભારે અછત અને મોટી ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ વધી શકે છે.