BREAKING NEWS

ભાવનગરના યુવકે યુપીમાં પ્રેમિકાની હત્યા કરીઃ મૃતદેહના ત્રણ ટુકડા કર્યા, પછી પ્લાસ્ટિકની બેગમાં ભરી ફેંકી દીધા

  • July 06, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ડિજિટલ યુગની એક અત્યંત ક્રૂર અને હૃદયદ્રાવક હત્યાની ઘટના સામે આવી છે. માત્ર વોટ્સએપ ચેટ ન બતાવવા જેવી ક્ષણિક શંકા અને ઝઘડામાં એક યુવકે પોતાની પરિણીત ગર્લફ્રેન્ડની નિર્મમ હત્યા કરી નાખી હતી. કળિયુગની આ ભયાનકતા અહીં જ ન અટકી, આરોપીએ હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મહિલાના મૃતદેહના ધારિયા વડે ત્રણ ટુકડા કરી અલગ-અલગ પ્લાસ્ટિકની બેગમાં ભરીને જુદી-જુદી જગ્યાએ ફેંકી દીધા હતા. આ સનસનીખેજ ઘટનામાં ઝડપાયેલો મુખ્ય આરોપી ગુજરાતના ભાવનગર જિલ્લાનો વતની છે, જ્યારે મૃતક મહિલા વારાણસીની રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ ભયાનક હત્યાકાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે જૌનપુરના મડિયાહું કોતવાલી વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળેલા સ્થાનિક લોકોએ રસ્તા કિનારે ઝાડીઓમાં એક મોટી શંકાસ્પદ કાળી પોલીથીન જોઈ. ગ્રામજનોની માહિતીના આધારે જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પોલીથીન ખોલી, ત્યારે તેમાંથી મહિલાની કમરથી ઉપરનો ધડનો ભાગ મળી આવ્યો હતો. પોલીસે જ્યારે આસપાસના એક કિલોમીટરના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે ત્યાંથી મહિલાના બંને કપાયેલા હાથ પણ મળી આવ્યા હતા, જ્યારે પગનો ભાગ ગાયબ હતો. પોલીસે તાત્કાલિક બંને અંગો કબજે કરીને અજાણ્યા હત્યારાની શોધખોળ શરૂ કરી હતી.


મૃતદેહના બાકીના ટુકડાઓનો નિકાલ કરવાની પેરવીમાં રહેલા આરોપીને પકડવા માટે પોલીસે ચારેય તરફ નાકાબંધી કરી દીધી હતી. રવિવારે મોડી રાત્રે આશરે સાડા બાર વાગ્યે, જ્યારે આરોપી મહિલાના પગના ટુકડા કાળી પોલીથીનમાં ભરીને બાઇક પર ફેંકવા જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેને ઘેરી લીધો હતો. પોતાને પોલીસથી ઘેરાયેલો જોઈને આરોપીએ બચવા માટે પોલીસ ટીમ પર સીધું જ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે સ્વબચાવમાં વળતો પ્રહાર કર્યો હતો, જેમાં પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીના જમણા પગમાં ગોળી વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો. પોલીસે તેની પાસેથી હત્યામાં વપરાયેલું ધારિયું અને એક દેશી તમંચો જપ્ત કર્યો હતો.


પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલો આરોપી ૪૨ વર્ષીય હેમલ ખખરિયા ઉર્ફે દિલીપ છે, જે ગુજરાતના ભાવનગર જિલ્લાનો વતની છે અને અહીં મડિયાહુંની ટીચર્સ કોલોનીમાં ભાડે રૂમ રાખીને રહેતો હતો. જ્યારે મૃતક મહિલા ૩૮ વર્ષીય રેશ્મા ખાતૂન ઉર્ફે સના હતી, જે વારાણસીના રાજાતાલાબ વિસ્તારની રહેવાસી હતી.


મડિયાહુંના સીઓ વિજય ચૌધરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આશરે બે મહિના પહેલાં દિલીપ અને રેશ્માની મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. રેશ્માએ દિલીપને નોકરી અપાવવાના બહાને મડિયાહું બોલાવ્યો હતો અને બંને લિવ-ઇન પાર્ટનર તરીકે સાથે રહેવા લાગ્યા હતા. રેશ્માએ દિલીપને ત્યાં એક ખાનગી કંપનીમાં ૧૮ હજારના પગાર પર નોકરી પણ અપાવી હતી. જોકે, આ દરમિયાન રેશ્મા અવારનવાર પોતાના ઘરે વારાણસી પણ આવતી-જતી રહેતી હતી. શનિવારની સાંજે રેશ્મા પોતાના બાકીના પૈસા લેવાના બહાને દિલીપના રૂમ પર આવી હતી, જ્યાં બંનેએ સાથે ડિનર લીધું હતું.


રાત્રે જમ્યા બાદ દિલીપને શંકા ગઈ કે રેશ્મા કોઈ અન્ય યુવક સાથે પણ સતત સંપર્કમાં છે. આ શંકાના આધારે દિલીપે રેશ્મા પાસે તેનો મોબાઈલ માંગ્યો અને વોટ્સએપ ચેટ્સ બતાવવા દબાણ કર્યું. રેશ્માએ પોતાની અંગત ચેટ્સ બતાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે રાત્રે આશરે નવ વાગ્યે ક્રોધમાં અંધ બનેલા દિલીપે રસોડામાંથી છરી લાવીને રેશ્માનું ગળું કાપી નાખ્યું હતું.


હત્યા કર્યા બાદ લાશને ઠેકાણે પાડવા માટે દિલીપ તે જ રાત્રે બજારમાં ગયો અને ત્યાંથી એક મોટું ધારિયું તથા કાળી પ્લાસ્ટિકની થેલીઓ ખરીદી લાવ્યો. તેણે ધારિયા વડે રેશ્માના મૃતદેહના કરપીણ ત્રણ ટુકડા કર્યા હતા. રાતના અંધારામાં તેણે કમરના ઉપરના ભાગને રૂમથી બે કિમી દૂર રાણીપુર બાયપાસ પાસે ફેંક્યો અને બંને હાથને ચાર કિમી દૂર રામનગર પુલ પાસે ફેંકી દીધા હતા. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા, પુરાવાનો નાશ કરવો, પોલીસ પર જીવલેણ હુમલો અને આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application