પશ્ચિમ બંગાળ વિધાનસભાની ૧૫૨ બેઠકો પર ગુરુવારે થયેલા મતદાનમાં રાજ્યના ઈતિહાસના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. સાંજના ૫ વાગ્યા સુધીમાં ૮૯.૯૩ ટકા જેટલું અધધ મતદાન નોંધાયું છે, જે ૨૦૧૧ના ૮૪ ટકાના રેકોર્ડ કરતા પણ વધુ છે. આ બમ્પર વોટિંગને પગલે રાજકીય વિશ્લેષકોમાં ભારે મથામણ શરૂ થઈ છે કે આ જનસૈલાબ કોને સત્તાના સિંહાસન પર બેસાડશે.
કયા જિલ્લામાં કેટલું મતદાન?
બંગાળના લગભગ તમામ વિસ્તારોમાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી:
દક્ષિણ દિનાજપુર: સૌથી વધુ ૯૩.૧૨% મતદાન સાથે મોખરે રહ્યું.
કૂચબિહાર: અહીં ૯૨.૦૭% મતો પડ્યા છે.
જલપાઈગુડી અને મુર્શિદાબાદ: બંનેમાં ૯૧% થી વધુ મતદાન નોંધાયું છે.
પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર: બંને વિસ્તારોમાં મતદાનનો આંકડો ૯૦% ની આસપાસ રહ્યો છે.
૨૦૨૧ના પરિણામો પર એક નજર: આ ૧૫૨ બેઠકોની સ્થિતિ
વર્તમાન મતદાન કોના પક્ષમાં જશે તે સમજવા માટે ૨૦૨૧ના આંકડા અત્યંત મહત્વના છે. ગત ચૂંટણીમાં આ ૧૫૨ બેઠકો પર ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટે કી ટક્કર હતી:
ઉત્તર બંગાળમાં ભાજપની પકડ
અલીપુરદ્વાર અને દાર્જિલિંગ: અહીં ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું (અનુક્રમે ૫-૦ અને ૫-૦ બેઠકો).
કૂચબિહાર: ૯ માંથી ૭ બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે ટીએમસીને માત્ર ૨ મળી હતી.
જલપાઈગુડી: ૭ બેઠકોમાંથી ૪ ભાજપે અને ૩ ટીએમસીએ જીતી હતી.
ટીએમસીના મજબૂત ગઢ
મુર્શિદાબાદ: મમતા બેનર્જીનો અહીં એકહથ્થુ શાસન જેવો દેખાવ હતો, જ્યાં ૨૨ માંથી ૨૦ બેઠકો ટીએમસીએ જીતી હતી.
ઝારગ્રામ: તમામ ૪ બેઠકો ટીએમસીએ કબ્જે કરી હતી.
બીરભૂમ: ૧૧ માંથી ૧૦ બેઠકો ટીએમસીના ખાતામાં ગઈ હતી.
માલદા: ૧૨ માંથી ૮ બેઠકો પર ટીએમસીનો વિજય થયો હતો.
મોદી વિરુદ્ધ મમતા: જીતના દાવા
બમ્પર વોટિંગ બાદ રાજકીય યુદ્ધ તેજ બન્યું છે. ભાજપે દાવો કર્યો છે કે આ ભારે મતદાન જનતાના પરિવર્તનના મૂડને દર્શાવે છે અને બંગાળમાં 'કમળ' ખીલવા જઈ રહ્યું છે. તેમજ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મહિલાઓ અને યુવાઓના સમર્થનને કારણે ટીએમસીની ભવ્ય વાપસી નિશ્ચિત છે.
૯૦ ટકા મતદાન એ વાતનો પુરાવો છે કે બંગાળની જનતા લોકશાહીના આ પર્વમાં સક્રિયપણે જોડાઈ છે. હવે આ 'મોટા મતદાન' પાછળ સત્તાધારી પક્ષ પ્રત્યેનો આક્રોશ છે કે સરકારની યોજનાઓ પ્રત્યેનો સંતોષ? તે તો ૪ મેના રોજ જ્યારે પરિણામો જાહેર થશે ત્યારે જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી બંગાળમાં અટકળો અને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ રહેશે.