આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના ૩૩ ઉમેદવારોનું સત્તાવાર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં પક્ષે જાણીતા ચહેરાઓ અને વગદાર પરિવારોને પ્રાધાન્ય આપ્યું છે.

સ્ટાર સંતાન અને રાજકીય સમીકરણો
આ યાદીમાં સૌથી આકર્ષક નામ પ્રખ્યાત હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાનું છે, જેમને ભાજપે લોધિકા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. કલા જગત સાથે જોડાયેલા પરિવારના સભ્યને ટિકિટ આપી ભાજપે મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ, વેરાવળ બેઠક પર ભાજપે ધર્મેન્દ્રભાઈ ટીલાળા પર વિશ્વાસ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં આ બેઠક પર તેમના પત્ની ગીતાબેન ટીલાળા પ્રતિનિધિત્વ કરતા હતા, જે દર્શાવે છે કે પક્ષે આ વિસ્તારમાં ટીલાળા પરિવારનો દબદબો જાળવી રાખ્યો છે.

ગોંડલ નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ
જિલ્લા પંચાયતની સાથે જ ભાજપે ગોંડલ નગરપાલિકા માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગોંડલના કુલ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થતા જ સ્થાનિક સ્તરે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા આ બેઠકો પર જૂના જોગીઓ અને નવા ચહેરાઓનું મિશ્રણ કરી મજબૂત પેનલ બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારો હવે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની તૈયારીઓ કરી રહ્યા છે.












