મહારાષ્ટ્રમાં CMનું ગુચવાયેલું કોકડું ઉકેલવા ભાજપે નિર્મલા સિતારમણ અને વિજય રૂપાણીને નિરીક્ષક બનાવ્યા, 4 ડિસેમ્બરે બેઠક

  • December 02, 2024 04:35 PM 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવવા માટે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે. આ મિટિંગમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ અને ભાજપના સિનિયર નેતા વિજય રૂપાણી નિરીક્ષક તરીકે હાજર રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ મિટિંગમાં જ જાહેરાત કરવામાં આવશે કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોને બનાવવામાં આવશે. ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે જ મિટિંગ કરવામાં આવશે. ભાજપના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 4 ડિસેમ્બરના રોજ ભાજપ ધારાસભ્ય દળની મિટિંગ યોજાશે. હાલ એવી ચર્ચા છે કે, દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ ભાજપ હાઈકમાન્ડ તરફથી મુકવામાં આવશે. પરંતુ આ અંગે  કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. આના સિવાય કોઈ ખુલીને આ મામલા પર બોલી પણ રહ્યું નથી.

બંને નેતા આવતીકાલે મુંબઈ પહોંચશે

ભાજપે નાણામંત્રી નિર્મલા સિતારમણ અને ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને નિરીક્ષક બનાવ્યા છે. બંને નેતાઓ આવતીકાલે મુંબઈ પહોંચશે. આ બંનેની હાજરીમાં જ ધારાસભ્ય દળની બેઠકમાં મહારાષ્ટ્રના સીએમનું નામ નક્કી કરવામાં આવશે..

એકનાથ શિંદે ઇચ્છે છે કે, મુખ્યમંત્રી નહીં તો ગૃહ ખાતુ આપો

અત્યારસુધીમાં મળતી જાણકારી અનુસાર એકનાથ શિંદે પૂરૂ જોર લગાવી રહ્યા છે કે, જો તેઓને મુખ્યમંત્રી બનાવવામાં ન આવે તો ફરી હોમ મિનિસ્ટ્રી જેવું જ તાકાતવાળું મંત્રાલય મળી જાય. તેઓની એવી ઈચ્છા છે કે, તેઓ આખા મહારાષ્ટ્રની કાનૂન વ્યવસ્થાની જવાબદારી સંભાળે. કોઈપણ સરકારમાં મુખ્યમંત્રી બાદ હોમ મિનિસ્ટ્રી સૌથી તાકાતવાળુ મંત્રાલય ગણાય છે. એકનાથ શિંદેના મુખ્યમંત્રીકાળમાં દેવેન્દ્ર ફડણવીસે આ જવાબદારી સંભાળી છે. જો હવે ભાજપના મુખ્યમંત્રી રહેશે તો એકનાથ શિંદે ઇચ્છે છે કે, તેઓ ગૃહમંત્રી બને.     

શિંદેએ આજે પણ પોતાની બધી બેઠકો રદ કરી

આ વખતે એવા પણ સમાચાર છે કે, એકનાથ શિંદેએ આજે પણ પોતાની બધી બેઠકો રદ કરી દીધી છે. શિંદેના નજીકના સુત્રોનું કહેવું છે કે, તેઓની તબિયત લથડી ગઈ છે. જેને લઈને તેઓએ શિવસેના વિધાયકોની સાથેની મિટિંગ પણ રદ કરી દીધી છે. ત્યારે ડેપ્યુટી સીએમ અજિત પવાર દિલ્હી પહોચી રહ્યા છે. તેમની સાથે સુનિલ તટકરે અને પ્રફૂલ પટેલ પણ દિલ્હી પહોચી રહ્યા છે. એકનાથ શિંદેની તબિયત ખરાબ રહેવાથી અને અજિત પવાર દિલ્હી પહોંચી રહ્યા છે તેવી વાતને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ આ અંગે કોઈએ સત્તાવાર રીતે કઈ પણ કહ્યું નથી.

મહાયુતિને 230 બેઠકો મળી

મહારાષ્ટ્રમાં ધારાસભ્ય ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ આવ્યા હતા. ભાજપ, એકનાથ શિંદે અને એનસીપીના અજીત જૂથના ગઠબંધન મહાયુતિને 230 બેઠકો મળી હતી. એટલે કે બહુમત માટે જરૂરી 145 ધારાસભ્યો કરતાં 85 બેઠકો વધુ. પરિણામ આવ્યાને નવ દિવસ વીતી ગયા છે. પરંતુ મુખ્યમંત્રી સાથેનો મુદ્દો હજુ યથાવત છે.

5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ સમારોહ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ 30મી નવેમ્બરે નાગપુરમાં કહ્યું હતું કે, નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.

શું હશે મહારાષ્ટ્ર કેબિનેટની ફોર્મ્યુલા?

નવી સરકારમાં મુખ્યમંત્રીની સાથે 43 મંત્રીઓ અને બે ડેપ્યુટી સીએમનો સમાવેશ કરવામાં આવશે. જેમાંથી ભાજપને 20-23 મંત્રી પદ, શિંદે જૂથને 11 અને અજીત જૂથને 9 મંત્રી પદ મળવાની શક્યતા છે. અગાઉ, શિંદે સરકારમાં 28 પ્રધાનો હતા અને શિંદે પાસે સૌથી વધુ 11 પ્રધાનો હતા, ભાજપ પાસે 9 અને અજિત પવાર જૂથના 8 પ્રધાનો હતા. આ સમયે ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધવાને કારણે મંત્રીઓની સંખ્યામાં પણ વધારો થશે.

શિંદેને શાંત કરવા કેન્દ્રમાં મંત્રી પદની ઓફર કરી

આ સિવાય નારાજ એકનાથ શિંદેને શાંત કરવા માટે ભાજપે તેમને કેન્દ્રમાં મંત્રી પદની ઓફર કરી છે. તેમના પુત્ર શ્રીકાંત અથવા પાર્ટીના કોઈપણ વરિષ્ઠ નેતાને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે મોદી કેબિનેટમાં અજિત જૂથની એક સીટ ખાલી છે. પ્રફુલ્લ પટેલ મંત્રી બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application