ગિરનાર પર્વત પર આજે સવારે લઘુતમ તાપમાનમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને માત્ર 6.2 ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સાથો સાથ ભેજનું પ્રમાણ પણ 81% સુધી પહોંચી જતા ઠંડીની તીવ્રતા વધી ગઈ છે.
આવી જ રીતે ગઈકાલે નલિયામાં લઘુતમ તાપમાન 9 ડીગ્રી હતું તેમાં સામાન્ય ઘટાડો થયો છે અને આજે 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે . રાજકોટમાં અડધો ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. પોરબંદરમાં ગઈકાલે 13.6 અને આજે 12.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વેરાવળમાં બે ડિગ્રી જેટલા ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી રહેવા પામ્યું છે઼. અમરેલીમાં 10.4 ડીગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે જે ગઈકાલના 11.4 ડિગ્રીની સરખામણી એક ડિગ્રી ઓછું છે. ભાવનગરમાં સામાન્ય ઘટાડા સાથે આજે 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં ગઈકાલ અને આજના લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર થયો નથી અને આજે 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. આવી જ રીતે દ્વારકામાં પણ સામાન્ય ઘટાડા સાથે આજે 18 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. કંડલામાં પણ લગભગ ગઈકાલ જેટલું જ આજનું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ઓખામાં ગઈકાલની સરખામણીએ દોઢ ડિગ્રીનો વધારો થયો છે.
રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે 13.4 અને આજે 13.1 વડોદરામાં ગઈકાલે 12 અને આજે 12.8 દમણમાં ગઈકાલે 16 અને આજે 13.6 ડીસામાં ગઈકાલે 12.7 અને આજે 12.4 ગાંધીનગરમાં ગઈકાલે 13 અને આજે 12.6 સુરતમાં ગઈકાલે 15.6 અને આજે 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
આવતીકાલે સમગ્ર હિમાલયન રિજીયનને પ્રભાવિત કરે તેવું વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઇ રહ્યું છે અને તેની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મરાઠાવાડ છત્તીસગઢ ઓડીસા તેલંગાણા અને કર્ણાટકના અમુક ભાગોમાં કોલ્ડ વેવ ની ચેતવણી આપી છે.