રાજકોટમાં રહેતી નર્સ તરીકે નોકરી કરનાર યુવતીને આર્મીના જવાન સંજય બચુ મકવાણા (ઉ.વ.૨૭, રહે. ઉપલેટા)એ લગ્નની લાલચ આપી તેનું શારીરિક શોષણ કર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આર્મીને રિપોર્ટ કરવાં તજવીજ હાથ ધરી છે.
હાલ રાજકોટમાં રહી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી ૨૭ વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને પોલીસ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ માં સોશિયલ મીડિયા મારફત યુવતી આરોપીના સંપર્કમાં આવતા ત્રણેક મહિના સુધી વાતચીત થઈ હતી. તે વખતે આરોપીને ભાઈ કહીને જ બોલાવતી હતી. આરોપીએ તેને તારો સ્વભાવ મને ગમે છે, મને ભાઈ કહેવાનું મૂકી દે, ખાલી મારી ફ્રેન્ડ બનીને રહે તેમ કહ્યું હતું. જેથી તેણે આરોપી આર્મીમાં હોવાથી સારો મિત્ર મળી જશે તેમ વિચારી તેની સાથે ફ્રેન્ડશીપ કરી હતી.
ત્યાર પછી આરોપીને રૂબરૂ મળતાં કહ્યું કે તું મને બહુ ગમે છે, મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. આ પછી અવાર-નવાર આરોપી સાથે વાતચીત કરતી હતી. છએક મહિના બાદ આરોપી ડયુટીમાંથી રજા પર આવતા તેને ધોરાજી બાયપાસ પાસે મળી હતી. જયાં લગ્નની લાલચ આપી આરોપીએ તેની માતા સાથે વાત પણ કરાવી હતી. તેની માતાએ પણ હા પાડતા આરોપી તેને વોટરપાર્ક લઈ ગયો હતો. જયાંના રૂમમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ પછી આરોપીએ તેની સાથે લગ્ન કરવાની વાતો કરી કહ્યું કે હાલમાં તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી લગ્ન કરી શકે તેમ નથી. થોડા દિવસ બાદ આરોપી ડયુટી પર જતો રહ્યો હતો. જયાંથી કોલ કરી કહ્યું કે તેની માતાએ બીજી સારી છોકરી શોધી આપીશ કહી તેને છોડી મુકવાનું કહ્યું છે. સાથો-તેમ સાથ સંબંધ તોડવાની વાત કરતા તેણે હા પાડી બ્લોક કર્યો હતો. જો કે બાદમાં આરોપીએ જો વાત નહીં કર તો મરી જઈશ તેમ તેની ફ્રેન્ડના ફોનમાં કહ્યું હતું. એટલું જ નહીં જો તેની માતા ના પાડે તો પણ તેની સાથે જ લગ્ન કરવાની વાત કરી હતી.
જે બાદ તેની માતા સાથે એક વખત વીડિયો કોલમાં વાત કરાવી હતી. જૂનાગઢ ખાતે જતાં ત્યાં પણ શરીર સંબંધ બાંધ્યો હતો. સગાઈ કરવાની વાત કરતાં હા પાડી હતી. વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ સુધી આરોપી જયારે પણ રજા પરથી આવતો ત્યારે તેને મળતો હતો. બંને અવાર-નવાર ફરવા પણ જતા હતા. આરોપી લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધતો હતો. છેલ્લે ગત ડિસેમ્બર માસમાં આરોપીએ લગ્ન નહીં કરી શકું તેમ કહી દીધું હતું.
બાદમાં બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. આરોપીને તેણે બર્થ-ડે ગિફ્ટમાં બુલેટ આપ્યું હતું. આ પછી આરોપીએ મારે લગ્ન કરવા નથી તેમ કહી દીધું હતું. સાથો-સાથ મારે તારા જેવી અનેક છે તેમ કહી દીધું હતું. આ રીતે આરોપીએ લગ્નની ના પાડતા આખરે ફરિયાદ નોંધાવી હતી. યુવતીનું શોષણ કરનાર આર્મી જવાન હાલ જમ્મુ કાશ્મીર ફરજ બજાવતો હોવાથી પોલીસ દ્વારા ભારતીય સૈન્યને રિપોર્ટ કરવાં તજવીજ હાથ ધરી છે.