BREAKING NEWS

ગુજરાતને નશામુક્ત બનાવવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના

  • June 19, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ડ્રગ્સના વધતા દૂષણને ડામવા અને રાજ્યને સંપૂર્ણ નશામુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા વિશેષ ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ (એએનટીએફ) ની રચના કરી છે. ગૃહ વિભાગ દ્વારા લેવાયેલા આ કડક પગલાથી રાજ્યમાં ડ્રગ માફિયાઓ અને નશાના કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ એડિશનલ ડાયરેક્ટર જનરલ (એડીજી) કક્ષાના સિનિયર અધિકારી કરશે. આ ફોર્સની કાર્યક્ષમતા વધારવા માટે અલગથી સમર્પિત હોદ્દાઓ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં એડીજી થી લઈને આઈ.જી, ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડ્રગ્સ વિરોધી લડાઈ વધુ સઘન બનાવવા માટે એનસીબી, ડીઆરઆઈ, સીબીએન અને સીએપીએફ જેવી કેન્દ્રીય એજન્સીઓમાંથી નિષ્ણાત અધિકારીઓને ડેપ્યુટેશન પર સામેલ કરવાની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે.


રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી પર ચાંપતી નજર રાખવા માટે કુલ ૦૬ વિશેષ એન્ટી નાર્કોટિક્સ પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક પોલીસ સ્ટેશનનું સંચાલન ડીવાયએસપી કક્ષાના અધિકારીના હાથમાં રહેશે.


ડ્રગ માફિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ

ગૃહ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, રાજ્યના યુવાધનને બરબાદ કરતા ડ્રગ માફિયાઓ સામે કોઈ પણ પ્રકારની રહેમ કરવામાં આવશે નહીં. એએનટીએફ ને સર્વોચ્ચ કાયદાકીય સત્તાઓ સોંપવામાં આવી છે, જેથી આરોપીઓ સામે કડક અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત થઈ શકે. સરકારના આ નિર્ણયથી ડ્રગ્સની સપ્લાય ચેઈનને તોડવામાં મોટી સફળતા મળવાની અપેક્ષા છે.

આગામી સમયમાં એએનટીએફની આ સક્રિયતા ગુજરાતને ડ્રગ્સના જોખમથી મુક્ત કરવામાં અને ગુનેગારોને કાયદાના સકંજામાં લાવવામાં નિર્ણાયક સાબિત થશે. સરકારની આ કડકાઈથી હવે ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા લોકો માટે બચવું મુશ્કેલ બની ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application