અનંતના લગ્ન: રીફાઇનરીની આસપાસના ગામડાઓમાં ધુમાડાબંધ જમણવાર

  • February 28, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે નાની ખાવડી, ગાગવા અને નવાણીયામાં જમણવાર યોજાયા: આજે જોગવડમાં જમણવાર સાથે કીર્તીદાન ગઢવીનો લોકડાયરો: મેઘનુ અને પીપળી ગામમાં પણ જમણવાર: ગ્રામજનોમાં ઉત્સાહ

સોમવારથી ત્રણ દિવસ દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના જાજરમાન લગ્ન સમારંભના કાર્યક્રમો ચાલશે, દેશ-દુનિયાની ખ્યાતનામ હસ્તીઓ હાજરી આપવાની છે, દરરોજ ૩૦ થી વધુ ચાર્ટર્ડ ફલાઇટો આવન-જાવન કરશે, ઇતિહાસમાં લગભગ ક્યારેય ન થયા હોય એવા શાહી લગ્ન રિલાયન્સ ગ્રીનમાં યોજવાના છે, આ પૂર્વે અંબાણી પરિવાર દ્વારા રીફાઇનરીની આસપાસ આવેલા તમામ ગામડાઓમાં ધુમાડાબંધ જમણવાર યોજાયા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉત્સાહનો માહોલ છે, ગઇકાલે ત્રણ ગામમાં જમણવાર હતા, આજે પણ ત્રણ ગામમાં જમણવાર અને કીર્તીદાન ગઢવીનો લોકડાયરો યોજાવાનો છે, આમ અંબાણી પરિવાર તરફથી ગ્રામ્ય પ્રજાને પણ લગ્નની ખુશીમાં સામેલ કરવામાં આવી છે.
તા. ૧ થી ૩ માર્ચ સુધી અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નના જુદા જુદા કાર્યક્રમો યોજાવાના છે, જેમાં અગાઉ પ્રસિઘ્ધ થઇ ગયા મુજબ દેશ-વિદેશના ઉદ્યોગજગતના મંધાતાઓ, મોટા રાજકીય નેતાઓ, બોલીવુડના ખ્યાતનામ કલાકારો અને ક્રિકેટરો સહિતની દિગ્ગજ હસ્તીઓ જુદા જુદા દિવસે ઉપસ્થિત રહેવાની છે, બોલીવુડ તો લગ્નમાં સંગીતની એક જબ્બરદસ્ત મહેફીલ પણ યોજવાનું છે, જેના માટે શાહરુખ ખાન, રણવીરકપુર, આલીયા ભટ્ટ, કરણ જોહર, જ્હાનવી કપુર જેવા અદાકારો તો પાછલા દિવસોમાં બે-ત્રણ વખત રિલાયન્સ ખાતે આવી ચૂક્યા છે, તેઓ રીહર્સલ વિગેરે માટે આવતા હોવાનું માનવામાં આવે છે.
દરમ્યાનમાં અંબાણી પરિવાર દ્વારા આ લગ્ન સમારંભમાં રિલાયન્સ રીફાઇનરીની આસપાસના ગ્રામ્ય લોકોને પણ સામેલ કરવાના ઇરાદા સાથે દરેક ગામમાં ધુમાડાબંધ જમણવારનું આયોજન કર્યું છે, જેના અનુસંધાને ગઇકાલે ગાગવા ગામ, નાની ખાવડી અને નવાણીયા ગામમાં જમણવાર યોજાયા હતા, શાહી શાદી જેવા જ ભફકાદાર જમણવાર થયા હતાં અને ગામ લોકોને મજા પડી ગઇ હતી.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે જોગવડ ખાતે ધુમાડાબંધ જમણવાર છે, ઉપરાંત પ્રજાના મનોરંજન માટે કિર્તીદાન ગઢવીનો લોકડાયરો પણ યોજવામાં આવશે, આ ઉપરાંત મેઘનુ અને પીપળી ગામમાં પણ અનંત અંબાણીના લગ્નને લઇને સમુહ ભોજનના આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંતના જે ગામડાઓ છે ત્યાં તા.૫ બાદ અંબાણી પરિવાર તરફથી ભોજન સમારંભ યોજાશે એવું પણ જાણવા મળ્યું છે.
***
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ માટે જાહન્વી કપૂર પહોંચી: ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેજસ ઠાકરે પણ આવ્યા
અનંત અંબાણી-રાધીકાના લગ્નની ધુમ આમ તો છેલ્લા એક માસથી ચાલી રહી છે અને ખ્યાતનામ કલાકારો આવી રહ્યા છે, ત્યારે ગઇકાલે શ્રીદેવી અને બોની કપુરની પુત્રી જહાન્વી કપુર તથા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ઉદ્વવ ઠાકરેના પુત્ર તેજસ ઠાકરે પણ રિલાયન્સ જવા માટે જામનગરના વિમાની મથકે જોવા મળ્યા હતાં.
જાહન્વી કપૂર ગઇકાલે જામનગર પહોંચી હતી. જાહન્વી અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપશે. અભિનેત્રી જામનગર એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેને જોતાની સાથે જ ત્યાં લોકોની ભીડ એકઠી થવા લાગી. અભિનેત્રી કારમાં બેસે છે અને ત્યાંથી નીકળી જાય છે.
અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ૧ માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. જામનગરમાં પ્રિ-વેડિંગ ફંક્શન યોજાશે, જેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઘણા કલાકારો અને ગાયકો પરફોર્મ કરશે. જાહન્વી સિવાય ઘણા મોટા કલાકારો પણ આ ફંક્શનમાં હાજરી આપશે. પંજાબી ગાયક બી પ્રાક પણ જામનગર પહોંચી ગયા છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેજસ ઠાકરે પણ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતાં.
***
નવાણીયા ગામે ખુદ અનંત અંબાણીએ હાજરી આપી
અંબાણી પરીવારમાં ખાસ કરીને અનંત અંબાણી અલગ પ્રકારની માનસીકતા ધરાવતા હોય તેવું સ્પષ્ટ થાય છે, કારણ કે તેઓ એકદમ ડાઉન-ટુ-અર્થ એટલે કે જમીન સાથે જોડાઇને ચાલવામાં માનતા હોવાનું સમજાઇ રહ્યું છે, આ અનુભવો ખુદ લોકોને થઇ રહ્યા છે, કારણ કે ગઇકાલે નવાણીયા ગામ ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં ખુદ અનંત અંબાણીએ હાજરી આપી હતી, જેના કારણે ગામ લોકો ખુશ-ખુશ થઇ ગયા હતાં, આ તકે ગ્રામ્ય પ્રજા તરફથી અનંત અંબાણીને ફુલોના ગુલદસ્તાની ભેટ પણ આપવામાં આવી હતી. ર્વાજતે-ગાજતે અનંત અંબાણીનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, લોખંડી સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે અનંત અંબાણી આવ્યા હતાં આ તકે રિલાયન્સના વાઇસ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણી પણ તેમની સાથે રહ્યા હતાં. કતારબઘ્ધ ઉભેલા ગામના આગેવાનોએ ફુલોના ગુલદસ્તા અનંત અંબાણીને આપીને શુભેચ્છા પાઠવી હતી. મહીલાઓએ આગમન સમયે અનંત અંબાણીની આરતી ઉતારી હતી અને મહીલાઓ પરંપરાગત પોષાકમાં ઉપસ્થિત રહી હતી, અનંત અંબાણીની સાથે એમની લોખંડી-સુરક્ષા વ્યવસ્થા, તૈ્યાર કરવામાં આવેલા રેડ કાર્પેટ પર એમને નવાણીયા ગામમાં પ્રવેશ અપાયો હતો. ગામ લોકોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News