રાજકોટ મહાપાલિકા દ્વારા પાંચેક વર્ષ પૂર્વે નિર્માણ કરાયેલા વોર્ડ નં.૨ના આમ્રપાલી અંડરપાસની છતમાંથી પોપડા ખરી રહ્યા છે જેના લીધે છતમાંથી સતત પાણી ટપકી રહ્યું છે. અન્ડર પાસમાં સતત ટપકતા પાણીને કારણે રસ્તા ઉપર લીલ-સેવાળ, કાદવ-કિચડનું સામ્રાજય છવાયેલું રહે છે જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓ સ્લીપ થઈ રહ્યા છે અને દરરોજ અકસ્માતો સર્જાઇ રહ્યા છે. દરમિયાન આજે આ મામલે વોર્ડ નં.૨ના કોંગી કાર્યકરો મહાપાલિકા તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવા એકત્રિત થયા હતા પરંતુ વિરોધ કરે તે પૂર્વે જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં આ અંગે વોર્ડ નં.૨ના કોંગ્રેસ પ્રમુખ ભાવેશભાઈ વાઘેલાએ આ અંગે જારી કરેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાપાલિકાના શાસકો દ્વારા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુકત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળવામાં આવી હતી. અત્યારે રાજકોટના બે મુખ્ય અને જ્યાંથી હજારો લોકોની અવરજવર થાય છે તેવા રેલનગર બ્રીજ અને આમ્રપાલી અંડર બ્રીજ જે ભાજપના શાસનમાં તૈયાર કરવામાં આવ્યા છે. રેલનગર અંડર બ્રીજમાં ૩૬૫ દિવસ પાણી લીકેજ થાય છે. વગર વરસાદે ત્યાં ખાબોચીયા ભરાય છે, લાખો રૂપિયાના ખર્ચ અને મરામત પછી પણ પાણી બંધ થતું નથી. એ રેલનગર બ્રીજમાંથી બોધપાઠ લેવાને બદલે આમ્રપાલી અંડર બ્રીજ બનાવવામાં આવ્યો. આ બંને અંડર બ્રીજમાં તજજ્ઞોની લાખો રૂયિાની સલાહ પણ લેવામાં આવી હતી અને તેમ છતાં આમ્રપાલી અંડર બ્રીજ તત્કાલીન સમયે આ જયારે પુલનો ખર્ચ ર૦ કરોડનો બતાવવામાં આવેલ છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી આજે આ બ્રીજની અંદર પાણી, કાદવ-કિચડ, વાહનો સ્લીપ થવાની ઘટના વરસાદ હોય કે ન હોય પાણી લીકેજ થવાની રોજીંદી ઘટના બની છે. પાણી સુકાતુ ન હોવાને કારણે લીલ-સેવાળ થાય છે અને સતત અકસ્માતનો ભય રહે છે.
વધુમાં તેમણે ઉમેર્યું છે કે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાજકોટની મુલાકાત સમયે આમ્રપાલી બીજની સફાઈ વ્યવસ્થિત કરાયા બાદ રાજકોટ મહાપાલિકાના જવાબદાર તંત્રવાહકો ઘોર નિંદ્રામાં પોઢી ગયા હોવાના પગલે કાદવ-કિચડ અને દુર્ગંધ લાઈટનો અભાવ, વાહનો સ્લીપ થવાની ઘટનાને પગલે આ બ્રીજ નીચેથી પસાર થનારા હજારો લોકોને યાતના વેઠવી પડે છે.મહાપાલિકાનું તંત્ર ખાલી મુખ્યમંત્રી આવે ત્યારે કામ કરતું હોય એવો આ વિસ્તારના લોકોને આભાસ થયો છે કારણ કે મુખ્યમંત્રી નીકળતા હોય ત્યારે જ સફાઈ કરવી એવી માનસિકતાના પગલે આજે આમ્રપાલી બ્રીજની હાલત દયાજનક થઈ ગઈ છે. આ બ્રીજ નીચેથી રાત્રે પસાર થવું જોખમકારક છે.
આમ્રપાલી અંડરપાસ સ્લિપરી બની ગયો હોય વાહનચાલકો ઉપર સતત અકસ્માતો અને જીવનું જોખમ ઝળૂંબી રહ્યા મામલે વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડ નં.૨ના પ્રમુખ ભાવેશભાઈ વાઘેલાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ શકિત સુપર શી—ચેરમેન વૈશાલીબેન શીંદે, કૃષ્ણદત્તભાઈ રાવલ, મુકુંદ ટાંક, નિતિન ભંડેરી, જયદિપ મિયાત્રા, રવિ જીતિયા, દેવેન્દ્રસિંહ રાણા, નયનાબા જાડેજા, જીજ્ઞેશ બોરડ, સલિમભાઈ કારીયાણી, મયુરભાઈ શાહ, જયંતીભાઇ હિરપરા, મુકેશભાઈ મકવાણા, હિરલબેન રાઠોડ, અશરફભાઈ કારીયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અંડરપાસમાં ફોલ્ટ નથી, વોટર લેવલ વધ્યું
રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોનના સિટી એન્જિનિયર રાવલનો સંપર્ક સાધતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અંડરપાસમાં કોઈ જ ટેકનિકલ ફોલ્ટ નથી કે તેવા કોઈ કારણે પાણી ટપકતું નથી. રસ્તા ઉપર આવતું પાણી અંડરપાસની છતમાંથી નહીં પરંતુ સાઇડના જોઇન્ટસમાંથી આવે છે. ચોમાસા બાદ વોટર લેવલ ઉંચું આવવાને કારણે આ સ્થિતિ નિર્માણ થઇ છે. આ કોઇ ટેકનિકલ ફોલ્ટ નહીં પરંતુ નેચરલ બાબત છે આમ છતાં જે સમસ્યા સર્જાઇ છે તે ઉકેલવા માટે અમે પ્રયત્નશીલ છીએ અને ગ્રાઉટિંગ કરવું કે અન્ય કોઇ પધ્ધતિથી પ્રશ્ન ઉકેલવો તે માટેની કામગીરી ચાલુ છે.