વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંવાદ બાદ ભારત માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પરના ટેરિફમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવેથી ‘મેડ ઇન ઇન્ડિયા’ ટેગ ધરાવતી પ્રોડક્ટ્સ પર અમેરિકામાં માત્ર ૧૮% ટેરિફ લાગશે. આ સાથે જ ઊર્જા ક્ષેત્રે પણ ભારતે એક મોટો વ્યૂહાત્મક વળાંક લીધો છે.
PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ઐતિહાસિક સંવાદ

ટેરિફમાં ઘટાડો
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોને મજબૂત કરવાના હેતુથી ટેરિફ ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ભારતના ટેક્સટાઇલ, આઇટી, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને સીધો ફાયદો થશે. અમેરિકાના બજારમાં ભારતીય વસ્તુઓ હવે વધુ સસ્તી અને સ્પર્ધાત્મક બનશે.
રશિયાને ‘નો’, અમેરિકા-વેનેઝુએલાને ‘યસ’
આ ઐતિહાસિક મંત્રણાનો બીજો સૌથી મહત્વનો પાસું ભારતની ‘ઓઇલ ડિપ્લોમેસી’ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા અનુસાર ભારત હવે રશિયા પાસેથી તેલની ખરીદીમાં મોટો ઘટાડો કરશે અને તેના બદલે અમેરિકા તથા વેનેઝુએલા પાસેથી તેલની આયાત વધારશે.
ટેરિફનું ગણિત
અમેરિકાએ ઓગસ્ટ ૨૦૨૫માં ભારત પર બે તબક્કામાં ટેરિફ લાદ્યા હતા, જેના કારણે ભારતીય માલ અમેરિકામાં મોંઘો થયો હતો.
પહેલો ટેરિફ (૧ ઓગસ્ટ, ૨૦૨૫): વ્યાપાર ખાધને ઘટાડવાના નામે ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો.
બીજો ટેરિફ (૨૭ ઓગસ્ટ, ૨૦૨૫): ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે વધારાનો ૨૫ ટકા 'એક્સ્ટ્રા' ટેરિફ ઝીંકવામાં આવ્યો હતો.
વર્તમાન સ્થિતિ
સોમવારે જે ઘટાડો કરવામાં આવ્યો છે, તે આ 'એક્સ્ટ્રા' ૨૫ ટકા ટેરિફ પર કરવામાં આવ્યો છે. હવે તે ઘટીને ૧૮ ટકા થતા ભારતને કુલ ૭ ટકાની સીધી રાહત મળી છે.

ટ્રમ્પનો સોશિયલ મીડિયા પર સંદેશ
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર આ વાતચીતની વિગતો શેર કરતા પીએમ મોદીના ભારોભાર વખાણ કર્યા હતા. "આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી. તેઓ મારા ખૂબ જ સારા મિત્ર છે અને પોતાના દેશના એક મજબૂત અને સન્માનિત નેતા છે. અમારી વચ્ચે વ્યાપાર અને રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવા સહિતના અનેક મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા થઈ છે."