ગુજરાતના તમામ ટ્રસ્ટો ફંડની રકમ ઓનલાઈન જમા કરી શકશે, સરકારે ઇ-પેમેન્ટ સુવિધા શરૂ કરી, આ લિંક પરથી ફંડ જમા કરી શકાશે

  • January 30, 2025 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાયદા મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ ચેરીટી કમિશનરની કચેરીઓમાં આવતા પી.ટી.એ.(પબ્લિક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ઇ-પેમેન્ટ સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ સુવિધાનો પ્રારંભ થતા ગુજરાતના ટ્રસ્ટીઓને સમગ્ર વ્યવસ્થામાં સુગમતા રહેશે. ફાળાની રકમ ભરવા માટે ટ્રસ્ટીઓ https://charitycommissioner.gujarat.gov.in વેબસાઇટ પર ઇ-પેમેન્ટ કરી શકાશે. 


રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 2,76,652 ટ્રસ્ટ રજિસ્ટર થયેલા છે. 31-10-2024ની સ્થિતિએ ગત વર્ષે 10.55 કરોડ ફાળો વસુલવામાં આવ્યો હતો. મહત્વની બાબત એ પણ છે કે, કુલ રજિસ્ટર થયેલ ટ્રસ્ટમાંથી મેડિકલ અને શિક્ષણ જેવા સેવા ક્ષેત્ર માટે કામ કરતા ટ્રસ્ટોને બાદ કરતા કુલ અંદાજિત 1.65 લાખ જેટલા ટ્રસ્ટો પાસેથી જ ચેરીટી તંત્ર દ્વારા ફાળો ઉઘરાવવામાં આવે છે. 


હવેથી આ 1.65 લાખ જેટલા ટ્રસ્ટોને ફાળો ભરવા માટે ચેરીટી કચેરીની રૂબરૂ મુલાકાત લેવી પડશે નહીં. સંપૂર્ણ વ્યવસ્થા ઓનલાઇન જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કાયદામંત્રી ઋષિકેશ પટેલે અગાઉ આ પેમેન્ટ વ્યવસ્થામાં પડતી તકલીફોને અટકાવવા માટે સમગ્ર વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી જેના ભાગરૂપે જ આ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. જેનાથી સરળતાથી, ગમે ત્યારે અને ગમે ત્યાંથી સમગ્ર વિશ્વના કોઇપણ ખુણેથી સરળતાથી ‘‘ઇ પેમેન્ટ’’ દ્વારા ઓનલાઇન વાર્ષિક ફાળાની રકમ ભરી શકશે. 



આ શુભારંભ પ્રસંગે ઓનલાઇન ફાળા રકમ ‘‘ઇ પેમેન્ટ’’ પધ્ધતિથી ભરીને જ શુભારંભ કરાયો હતો. આ વ્યવસ્થાના શુભારંભ પ્રસંગે કાયદા વિભાગના જોઇન્ટ સેક્રેટરી, નાયબ ચેરીટી કમિશનર, ચેરીટી કમિશનર સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


ઉલ્લેખનીય છે કે, જાહેર ટ્રસ્ટોના ટ્રસ્ટીઓને ફાળા રકમ ભરવામાં રૂબરૂમાં કચેરીઓની મુલાકાત કરવામાં, અગવડતા, અડચણો અને મુશ્કેલીઓ, આવવા-જવામાં, શારીરિક, માનસિક, આર્થિક તકલીફ ખર્ચ કરવાની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ સમગ્રતયા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application