કેમ જીવ ચાલ્યો હશે... નિષ્ઠુર જનેતાએ બે વર્ષના માસુમ દીકરાની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધી'તી, વાંચો રાજકોટની કાળજું કંપાવતી ઘટના

  • March 31, 2025 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કુવાડવાથી આગળ બેટી રામપરા ગામના પાટીયા પાસે આવેલી વાડીના કૂવામાંથી આશરે ૩ વર્ષના બાળકની લાશ ગત ૨૩મી ફેબ્રુઆરીના રોજ મળી આવતાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને કોઈએ પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ દોડી ગઈ હતી અને બાળકના મૃતદેહને બહાર કાઢવાની તજવીજ કરી ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં બાળકનું મોત બે કે ત્રણ દિવસ પહેલા થયું હોવાનું તબીબોના પ્રાથમિક તારણ પરથી જણાવ્યું હતું.

મૃત બાળકની ઓળખ મેળવવા પોલીસે પોસ્‍ટર લગાવવાની સાથે અખબારોમાં તસ્‍વીરો સાથે વિગત પ્રકાશીત કરાવી હતી. પરંતુ કોઈ વાલીવારસ સામે ન આવતા પોલીસ પણ ચક્રાવે ચડી હતી. પરંતુ આ ઘટનાનો ભેદ ખુલતા થોરાળા પોલીસ પણ ચકિત બની હતી.


જે મૃત બાળકની ઓળખ એક મહિનાથી થઇ નહતી એ બાળક ૮૦ ફુટ રોડ ભારતનગરમાં રહેતી ભાવુ રણછોડ કીહલા નામની ૨૭ વર્ષની મહિલાનો બે વર્ષનો પુત્ર રાયધનની હોવાનું ખુલ્યું હતું. એટલું જ નહીં સગ્ગા માસૂમફૂલ જેવા દીકરાને કારબીન પથ્થરના કાળજા જેવી જનેતાએ જ હત્યા નિપજાવી કુવામાં ફેંકી દીધો હતો. આ કબૂલાત ખુદ મહિલાએ પોલીસ સમક્ષ આપતા પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ગઈ હતી. પોલીસે નિષ્ઠુર જનેતાને સંકજા લીધી છે.


વાડીના કૂવામાં એક બાળકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા
મર્ડર મિસ્ટ્રી જેવી વેબસીરીઝની આ હકીકત સ્ટોરીની સનસનીખેજ વિગતો એવી છે કે, બેટી રામપરાના પાટીયા નજીક ભારત બેન્‍જ કંપનીના શો રૂમ સામે ગત તા. ૨૩ ફેબ્રુઆરીના જયેશભાઇ બાંભણીયાની વાડીના કૂવામાં એક બાળકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ તેમજ ફાયર બ્રિગેડ, ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી હતી અને ફાયરની ટીમે બાળકનો મૃતદેહ બહાર કાઢીને જોતાં બાળકની ઉંમર આશરે અઢીથી ત્રણ વર્ષની જણાતી હતી. અને મૃતદેહ ફુલાઈ ગયો હોવાથી મૃત્યુ બે-ત્રણ દિવસ પહેલા થયું હોવાનું અનુમાન લગાવ્યું હતું. પોલીસે એડી નોંધ કરી બાળકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી. 


જમાઈએ બે વર્ષના ભાણેજ રાયધનની હત્‍યા કરી લાશ ક્‍યાંક ફેંકી દીધી છે
પરંતુ એક મહિના જેટલો સમય વીતવા છતાં બાળકની ઓળખ થઇ નહતી પરંતુ અચાનક ભારતનગરમાં રહેતી ભાવુ રણછોડભાઈ કીહલાને લઇને તેણીના માતવર પક્ષના લોકો થોરાળા પોલીસ સ્‍ટેશને આવ્‍યા હતાં. અને પોલીસને જણાવ્યું હતું કે, જમાઈએ બે વર્ષના ભાણેજ રાયધનની હત્‍યા કરી લાશ ક્‍યાંક ફેંકી દીધી છે. પરિવાજનોના આક્ષેપના પગલે પોલીસે રણછોડ કિહલાને ઝડપી લઇ બાળક અંગે આકરી પુછપરછ હાથ કરતા પહેલા પોતે કાંઈ જાણતો ન હોવાનું કહ્યું હતું બાદમાં કહ્યું હતું કે, બાળક મારા થકી નથી જન્‍મ્‍યું એવી મને શંકા હોવાથી મારે પત્‍નિ ભાવુ સાથે માથાકુટ થઇ હતી. આથી ભાવુએ પોતે આ બાળક પોતાના પ્રેમી થાન પંથકમાં રહેતા ગભરૂ ભરવાડને આપી આવી છે તેવું કહેતાં મેં સાચુ માની લીધું હતું.


પોલીસને રણછોડની વાત પરથી ભાવુ ઉપર શંકા ગઈ
પોલીસને રણછોડની વાત પરથી ભાવુ ઉપર શંકા જતા ભાવુની પુછપરછ હાથ ધરવામાં આવતા ભાવુ પોલીસ સમક્ષ ભાંગી પડી હતી અને હકીકત જણાવી હતી કે પોતે પુત્રને પ્રેમીને નથી આપી આવી પરંતુ કુવાડવાથી આગળ એક કુવામાં ફેંકી દીધુ છે. જે સાંભળી પોલીસએ ભાવુંને સાથે લઈ જઈ સ્થળ ચોકસાઈ કરાવી હતી. અને પોલીસે દંપતિને બાળકના ફોટા બતાવતા પોતાનું જ બાળક હોવાનું જણાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.


બંને વચ્ચે ઝગડાઓ થતા હતા
પોલીસે ભાવુંને સંકજામાં લઇ આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ ભાવુ કિહલા ચોટીલાના થાન પંથકમાં ખાખળાથર માવતર ધરાવે છે અને તેણીના લગ્ન ચાર વર્ષ પહેલા ભારતનગરમાં રહેતા અને રિક્ષા હંકારતા રણછોડ કીહલા સાથે થયા હતાં. લગ્ન દરમિયાન ભાવુએ એક દિકરા રાયધનને જન્‍મ આપ્‍યો હતો. દિકરાના જન્‍મ પછી પતિ રણછોડને એવી શંકા હતી કે આ બાળક મારુ નહીં ભાવુના પ્રેમીનું છે. આ બાબતે બંને વચ્ચે ઝગડાઓ થતા હતા આથી કંટાળીને ભાવુએ પોતે આ બાળક પ્રેમીને આપી આવે છે કહી તા.21ના ઘરેથી નીકળી હતી અને દિકરા રાયધનને પ્રેમીને આપી આવી છે તેમ કહી પરત આવી ગઇ હતી. જો કે ભાવુએ પુત્રને પ્રેમીને નહિ પણ કુવામાં નાખીને આવી હતી. સમગ્ર ઘટનાનો ભેદ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલા સહિતની ટીમે ઉકેલ્યો હતો. અને આગળની તપાસ એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં ટિમચલાવી રહી છે.


પોલીસ સમક્ષ પતિએ દીકરાને મારી નાખ્યાની સ્ટોરી ઉભી કરી
ભાવુ 10 પાસ પણ નહીં હોય એમ છતાં તેણીએ ક્રાઇમ પેટ્રોલના એપિસોડને ટક્કર મારે એવી સાતિર દિમાગથી પોલીસ સમક્ષ સ્ટોરી ઉભી કરી પોલીસને પણ ચકરાવે ચડાવી હતી. જયારે ભાવુને લઇ તેના માવતર થોરાળા પોલીસ સ્ટેશનએ ગયા હતા ત્યારે ભાવુ થોરાળા પોલીસ સમક્ષ સ્‍ટોરી કરી હતી કે, પતિ સાથે ઝગડો થતો હોવાથી પતિ રણછોડએ બાળકની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધી છે. અને પોલીસે પણ રણછોડને ઉપાડી લઇ આકરી પુછપરછ કરી હતી પરંતુ રણછોડએ ભાવુ અને તેના પ્રેમીની વાત પોલીસ સામે કરતા પોલીસની તપાસની દિશા બદલાઈ હતી અને સ્ટોરીમાં ભાવુ જ ફિટ થઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application